રાપર તાલુકાની સમસ્યા નિવારવા બ્રાન્ચ કેનાલ પર વધુ એક પુલની માંગ

રાપર, તા. 16 : તાલુકાના ગાગોદર પેટા કેનાલના કારણે સણવા, ભીમાસર, નાગતર, વાંઢ જેવા ગ્રામ્ય વિસ્તારના  લોકોના ટૂંકા અંતરના  જૂના રસ્તાઓ છીનવાઇ જતાં આ સમસ્યા નિવારવા બ્રાન્ચ કેનાલ પર વધુ એક પુલ બનાવવા વિસ્તારના પૂર્વ ધારાસભ્યે નિગમના ચેરમેનને અનુરોધ કર્યો છે.સણવાથી છએક કિલોમીટર દૂર ગાગોદર સબ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. આ કેનાલના  કારણે પશ્ચિમે આવેલા ભીમાસર અને સણવા વચ્ચે કાચો ગાડા માર્ગ બંધ થઇ ગયો છે.જેના કારણે લોકોને રોજીંદી જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી નિવારવા સબ કેનાલ પર ફૂટબ્રીજ બાંધવા લોકોની માંગ છે. જે બાબતે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ  નિગમના ચેરમેન સમક્ષ રજૂઆત કરી છે.આ ઉપરાંત સણવા ગામના ખેડૂતોને  ગાગોદર બ્રાન્ચ કેનાલના કામ માટે  જમીન સંપાદન 2012-2013માં કરી આપી છે. તથા નહેરનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, ત્યારે  ખેડૂતોને વ્યાજબી અને પારદર્શક વળતર એવોર્ડ આપવા પણ નિગમના ચેરમેનને અનુરોધ કરાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer