અબડાસાના ચાર ધારાસભ્ય બદલાયા પણ માર્કેટયાર્ડનો મુદ્દો ન ઉકેલાયો તે ન જ ઉકેલાયો

નલિયા, તા. 16 : અબડાસામાં માર્કેટયાર્ડ ન હોવાના કારણે ખેડૂતો પોતાની ખેતપેદાશ ગમે ત્યાં વેચાણ કરતા પોષણક્ષમ ભાવો મળતા નથી. માર્કેટિંગ યાર્ડ બનાવવાની ખેડૂતોની માગણી દોઢ દાયકાથી વધુ સમયથી પડતર છે.આ સમય દરમ્યાન ચાર ધારાસભ્યો બદલાઈ ગયા છતાં યાર્ડ બનાવવાનો નિવેડો આવ્યો નથી. યાર્ડ માટે દાતાએ બે એકર જમીન કોઠારાથી દોઢ કિ.મી.ના અંતરે કોઠારા-મોથાળા રોડ પર દાનમાં આપેલી છે, જેનું વર્ષ 2009માં ભૂમિપૂજન પણ થયું. આ જમીન યાર્ડ માટે ઓછી પડતાં માર્કેટિંગ યાર્ડનો મુદ્દો પડતો મુકાયો. તે પછી માર્કેટિંગ યાર્ડ માટે 10 એકર જમીન 2010માં સરકારી પડતર જમીનની માગણી કરાઈ પણ જમીન સંપાદન અંગે હજુ સુધી કોઈ નિર્ણય ન આવતાં જમીનની ફાઈલો કલેક્ટર કચેરીમાં અભેરાઈ પર ચઢાવી દેવાતાં યાર્ડનો મુદ્દો લટકતો જ રહ્યો છે. અબડાસામાં પિયત ખેતીનો 30થી 35 ગામોમાં સારો એવો વિકાસ થયો છે, જેમાં મુખ્યત્વે ખરીફ અને રવી પાકમાં કપાસ અને ઘઉંની મબલખ પેદાશ થાય છે. એટલું જ નહીં વર્ષ સારું હોય તો બિનપિયત જમીનમાં મગફળી, મગ, તલ, જુવાર, ગુવાર, બાજરો સહિતની પેદાશો થાય છે પણ ખેડૂતોના ફાલ માટે વેચાણની કોઈ સ્થાયી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ઘરઆંગણે અથવા માંડવી, ભુજ જેવા સ્થળે ખેતપેદાશ વેચે છે, જેમાં ઘણી વખત પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોને ગમે તે ભાવે પોતાની પેદાશ વેચવી પડે છે. પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોવાની સાથે વજનમાં ઘાલમેલના કારણે છેતરપિંડીનો પણ ભોગ બનવું પડે છે. ચૂંટણીઓમાં ઉમેદવારો માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે ખાતરી તો આપે અને ચૂંટાઈ પણ જાય પરંતુ ચૂંટાયા પછી અબડાસાના ખેડૂતોનો આ મુદ્દો ભૂલી જાય છે અથવા તો તેમનો ગજ ન વાગતાં અબડાસા માર્કેટયાર્ડનો મુદ્દો દોઢ દાયકા બાદ પણ વણઉકેલ્યો રહ્યો છે. આમ તો અબડાસામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે. સમિતિ દ્વારા સેસ પણ ઉઘરાવાય છે. વાર્ષિક સરેરાશ બજાર સમિતિની વીસેક લાખની આવક થાય છે. તે જોતાં દોઢ દાયકા દરમ્યાન સમિતિએ કરોડો રૂપિયા એકઠા કરી લીધા છે. તેની સામે ખેડૂતોને પોતાની ખેતપેદાશ વેચવા માટે કોઈ મોકળાશ ન મળતાં કાયમી ધોરણે મુશ્કેલી અનુભવે છે. અબડાસામાં વર્ષ 2004થી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં આવી છે. તે પછીના પાંચ વર્ષ તેનો કબ્જો ખેડૂતો પાસે હતો. વર્ષ 2010થી તેના વહીવટ માટે વહીવટદાર નિમાયા છે જે આજપર્યંત ચાલુ છે. પરિણામે ખેડૂતોનો બજાર સમિતિમાં કોઈ અવાજ ન હોવાથી માર્કેટિંગ યાર્ડનો મુદ્દો લટકતો રહ્યો છે.અબડાસાનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને વેપાર છે. બારથી પંદર હજાર જેટલા ખેડૂતો છે. તેમ છતાં ખેડૂતોનો કોઈ અવાજ ન હોવાથી રાજ્યનું સહકાર ખાતું કાંઈ દાદ આપતું ન હોવાની છાપ ઊભી થઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer