વાગડ વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું સો ટકા વળતર આપવા માંગ કરાઈ

રાપર, તા. 16 : વાગડ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થતાં 100 ટકા વળતર આપવા તથા દરેક ગામડાંઓને સરખી સહાય વળતર ચૂકવવા તેમજ ભારે વરસાદના કારણે તૂટી ગયેલા રોડનું તાત્કાલિક સમારકામ કરવા ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.આ અંગે ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા દ્વારા મુખ્યમંત્રી તથા કલેકટરને મામલતદાર મારફતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય તેમજ કચ્છમાં પડેલા ભારે વરસાદના પગલે રાપર અને ભચાઉમાં ખેડૂતોને ભારે નુકસાની છે. હાલના સમયમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે, જેથી દરેક ખેડૂતને સહાય ચૂકવાય તેવી માગણી કરી હતી. ઉપરાંત રાપર અને ભચાઉ તા.ના ગામડાંઓને જોડતા ઘણા માર્ગો વરસાદનાં કારણે ધોવાયા છે, જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે જેથી રાપર અને ભચાઉ તા. મથકને તથા ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગોની તટસ્થ ચકાસણી કરી સત્વરે સમારકામ હાથ ધરાય તેમજ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. આ માર્ગ પર મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ જાનહાનિ થાય છે જેથી આ અંગે તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી રાહદારીઓને પડતી મુશ્કેલીઓ સત્વરે નિવારવા ધારાસભ્ય સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા રાપર તાલુકા/શહેર સમિતિના હોદ્દેદારો, આગેવાનો, ખેડૂતો જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer