કંડલાની કોલોનીમાં કલાકો સુધી વીજ પુરવઠો ઠપ રહેતાં હાલાકી

ગાંધીધામ, તા. 16 : બંદરીય કંડલાની કોલોનીમાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાથી  રહેવાસીઓ ભારે હાલાકીમાં મુકાયા છે. અન્યત્ર પાવર ડાયવર્ટ કરી કોલોનીમાં અંધારપટ કરાતો હોવાની રાવ ઊઠી છે. આ મામલે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ કંડલા દ્વારા પોર્ટ પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. યુનિયનના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી એલ.સત્યનારાયણના જણાવ્યા પ્રમાણે હાલ છેલ્લા કેટલાક સમયથી કોલોનીમાં પાવર સપ્લાય બંધ કરી  ડ્રાયડોકમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં  રાત્રિથી સવાર સુધી અને સવારે થોડો સમય આવ્યા બાદ  પુન: કલાકો સુધી લાઈટ બંધ રહી હતી. આજે પણ  સવારથી બપોર સુધી એવી જ પરિસ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. ડીપીટી દ્વારા અમદાવાદની  કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ 60 જેટલા લોકો કામ કરી રહ્યા છે, પરંતુ કંપની દ્વારા વીજ પુરવઠો પૂર્વવત્ રહે તેવી કામગીરી કરી શકાતી નથી. શું માત્ર પૈસા લેવા માટે જ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ લેવાયો છે  ? તેવો સવાલ યુનિયન દ્વારા ઉઠાવાયો છે.આ મામલે પોર્ટના જવાબદાર અધિકારીઓ સમક્ષ વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ  સમસ્યાના નિવારણ માટે કોઈ કામગીરી કરાઈ નથી. હાલ કંડલાની કોલોનીમાં રહેતા પરિવારોના હિતમાં પ્રશાસન દ્વારા ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ યુનિયન દ્વારા કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer