કોરોના વોરિયર્સનાં સન્માનની યાદીમાં કચ્છના નર્સિંગ સ્ટાફને અન્યાય

ભુજ, તા. 14 : કોરોના વોરિયર્સનાં સન્માનની યાદીમાં કચ્છના નર્સિંગ સ્ટાફને અન્યાય થયો હોવાની કચ્છના તમામ સરકારી સ્ટાફ નર્સ વતી ધ ટ્રેઈન્ડ નર્સિસ એસો. ઓફ ઈન્ડિયાના કચ્છ યુનિટ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઈ હતી.તા. 15 ઓગસ્ટના રાજ્યકક્ષા તેમજ જિલ્લાકક્ષાએ કોરોના વોરિયર્સને સન્માન અંગેની યાદીમાં કચ્છના એક પણ સરકારી સ્ટાફ નર્સનો સમાવેશ ન થતાં કચ્છના તમામ સ્ટાફ નર્સની લાગણી દુભાઈ છે. તેવું એસો.ના કચ્છ યુનિટના પ્રમુખ રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું, તેમજ રાજ્ય સંગઠનના મંત્રી કિરણ દોમડિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.આ રજૂઆતમાં જણાવાયું હતું કે, કચ્છની તમામ નર્સિસ કચ્છની તમામ કોવિડ હોસ્પિટલ સાથેસાથે અમદાવાદ તેમજ સુરત ખાતે પણ પ્રતિનિયુક્તિથી કોવિડના દર્દીઓની સારવારમાં ફરજ બજાવી છે.નર્સિસ એ ફ્રન્ટલાઈન વોરિયર્સ છે અને સતત છથી આઠ કલાક પી.પી.ઈ. કિટ પહેરી પોઝિટિવ દર્દીઓની સારવાર કરી પોતાના જીવ અને પરિવારની પરવાહ કર્યા વગર ફરજ બજાવે છે ત્યારે જિલ્લા કક્ષાએ હરિઓમ ટ્રસ્ટમાંથી મોટાભાગના સ્ટાફને યાદીમાં સમાવાયા, જ્યારે 4 સ્ટાફ નર્સ જેમાં વીણા પરમાર, ચંદાબેન ક્રિસ્ટી, મનીષા ગોસ્વામી અને રમીલા ખોખરનો સમાવેશ કરાયો નથી. આ ચાર સ્ટાફ નર્સે કોવિડ હોસ્પિટલ આઈ.સી.યુ. વોર્ડ તેમજ દર્દીની જરૂરિયાત માટેની તમામ સાધન સામગ્રી - દવાઓ તૈયાર કરી હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલને દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે અને સતત 40 દિવસ સુધી કોવિડ-19 હોસ્પિટલમાં ફરજો બજાવી છે. છતાં તેમની સેવાને ધ્યાનમાં લેવામાં આવી નથી.પ્રકાશભાઈ જોષી અને દીપ્તિ વારા પણ કોવિડ-19માં ફરજો બજાવ્યા બાદ પોઝિટિવ થયા છે અને હાલે સારવાર હેઠળ છે.ઉપરાંત હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટરે રોટેશનમાં ફરજો બજાવી છે, તે તમામનો જો યાદીમાં સમાવેશ થતો હોય તો નર્સિસ સ્ટાફે પણ રોટેશનમાં ફરજો બજાવી છે તેમને પણ આ યાદીમાં સમાવવામાં આવે તેવી માંગ કરી હતી.15 ઓગસ્ટની રાજ્યકક્ષાની તેમજ જિલ્લાકક્ષાની યાદીમાં તેમનાં નામ સામેલ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer