કચ્છમાં ઝડપાયેલું ચરસ પાકિસ્તાનથી તણાઇ આવ્યાનું તારણ

કચ્છમાં ઝડપાયેલું ચરસ પાકિસ્તાનથી તણાઇ આવ્યાનું તારણ
ભુજ, તા. 13 : કચ્છના સાગરકાંઠે છેલ્લા ચાર મહિના દરમ્યાનથી ઝડપાઇ રહેલા ચરસનાં પેકેટોના ભેદભરમભર્યા કેસોમાં હવે સીમા સુરક્ષા દળે કેફી દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય ગેંગના કારસા સુધી પગેરું હોવાના તારણ કાઢયા છે.  જન્માષ્ટમીની સવારે સીમા દળે કચ્છના કાંઠે ઝડપેલા ચરસનાં વધુ ત્રણ પેકેટ અંગે જાહેર કરેલી અખબારી યાદીમાં આ પગેરાંની વિગતો અપીને કચ્છમાં વિવિધ એજન્સીઓએ ઝડપેલાં આવાં 1309 પેકેટ ખરેખર તો દરિયાનાં મોજાં સાથે પાકિસ્તાન બાજુથી તણાઇ આવ્યા હોવાનો ખુલાસો કર્યો છે. જો કે આ જળ સીમાએ કેફીદ્રવ્યોની દાણચોરીનો ભય સતત રહેતો હોવાનો સ્વીકાર કરીને દળે કાંઠા ઉપરાંત વ્યૂહાત્મક ક્રીક સરહદે જાપ્તો કડક રાખવા તમામ એજન્સીઓને કહેવાયું હોવાની માહિતી પણ આપી છે.બુધવારે સવારે આઠેક વાગ્યાના અરસામાં સીમા દળની પેટ્રોલિંગ પાર્ટીએ શેખરણપીર બેટ પરથી ચરસનાં વધુ ત્રણ પેકેટ ઝડપી લીધાં હતાં. આ સાથે સીમા દળ, પોલીસ, નૌકાદળ, તટરક્ષક દળ અને કસ્ટમ સહિતની એજન્સીઓએ જખૌના 58 કિલોમીટરના પરિઘના કાંઠાળ વિસ્તારમાં ગયા મે મહિનાથી કેફીદ્રવ્યો ઝડપવાના આ સિલસિલાને 1309 પેકેટ સુધી પહોંચાડયો છે. આ સંદર્ભમાં ગઇકાલે મોડી રાત્રે સીમા દળના ગાંધીનગર સ્થિત સત્તાવાર પ્રવક્તા દ્વારા એકઅખબારી યાદી બહાર પડાઇ હતી, જેમાં કચ્છના કાંઠે અને ક્રીકમાંથી ઝડપાયેલા ચરસનાં પેકેટ એક સરખી પ્રિન્ટ ધરવતા અને સમાન હોવાનો દાવો કરાયો છે. આ યાદીમાં દળે એક અહેવાલને ટાંકીને માહિતી આપી છે કે છેલ્લા એક વર્ષ દરમ્યાન પાકિસ્તાનની સલામતી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય જળ સીમાની નજીક કેફીદ્રવ્યોની વિરુદ્ધ વિવિધ ઓપરેશન હાથ ધર્યા હતા જેમાં હેરોઇન, હશિશ, બ્રાઉન સુગર, આઇસ ક્રિસ્ટલ, સિન્થેટિક હેરોઇન અને અફીણ જેવા કેફી દ્રવ્યોનો 11 હજાર કિલો જેટલો જથ્થો કબ્જે કર્યો હતો. આ જથ્થાની પાકિસ્તાની રૂપિયામાં 2,200 કરોડની કિંમત થયાનું આ અહેવાલમાં જણાવાયું હતું.  કરાચી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જળ સીમાની નજીક પાકિસ્તાની એજન્સીઓ દ્વારા વિવિધ બોટોની સામે કાર્યવાહી કરાતાં કેફીદ્રવ્યોના દાણચોરોએ ધરપકડથી બચવા માટે પોતાની નૌકાઓમાં રહેલા ચરસનાં પેકેટોને દરિયામાં ફેંકી દીધાં હતાં. આ પેકેટ દરિયાનાં મોજાંની સાથે વહીને કચ્છના સાગરકાંઠા ભણી તણાઇ આવ્યા હોવાનું દરિયાઇ કરન્ટની દિશા પરથી જણાઇ આવતું હોવાનું સીમા દળે આ યાદીમાં કહ્યંy છે. સાથોસાથ આ તમામ પેકેટ પાકિસ્તાનમાં ઝડપાયેલા કેફીદ્રવ્યોનાં પેકેટ જેવા જ માર્કિંગ ધરાવતા હોવાનું આ યાદીમાં ઉમેરાયું છે.આની સાથોસાથ કરાચી નજીકના એક નાનું એવું કાંઠાળ ગામ રેહરી આવા કેફીદ્રવ્યોનું મથક બની રહ્યંy હોવાનો ઉલ્લેખ કરીને આ યાદીમાં માહિતી અપાઇ છે કે અફઘાનિસ્તાન અને ઇરાનથી આ ડ્રગ્સ બલુચિસ્તાન અને સિંધ સુધી પહોંચે છે.  રહેરીમાં ફૌજી ફર્ટિલાઇઝર કોર્પોરેશન-પાકિસ્તાન (એફએફસી), 46 યુરિયા અને સોના બ્રાન્ડ લખેલાં નાના પેકેટમાં તેને પેક કરે દરિયાઇ માર્ગે યુએઇ, સાઉદી અરેબિયા, આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા સુધી મોકલીને દુનિયાભરમાં પહોંચાડાતું રહ્યંy છે.આ પેકેટ અને કચ્છ સરહદે ઝડપાયેલાં પેકેટ સમાન હોવાના પોતાના દાવાના સમર્થનમાં સીમા દળે પાકિસ્તાની એજન્સીઓએ ઝડપેલાં પેકેટ અને આપણી તરફ પકડાયેલાં પેકેટની તસવીરો પણ જાહેર કરી છે.આમ ચારેક મહિનાથી કેફીદ્રવ્યોની દાણચોરીના સિલસિલાનો ભેદ હાલ તુરત ઉકેલાઇ ગયો હોવાનું આ યાદી પરથી સ્પષ્ટ થાય છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer