બે દિવસમાં કોરોનાના 49 કેસ : એક વધુ મોત

બે દિવસમાં કોરોનાના 49 કેસ : એક વધુ મોત
ભુજ, તા. 13 : જન્માષ્ટમીના  સપરમા તહેવારો દરમિયાન પણ કોરોનાએ  કચ્છનો કેડો ન મૂક્યો હોય તેમ આઠમ અને નોમના બે દિવસમાં જિલ્લામાં વધુ 49 લોકો સંક્રમિત થયા છે. 1 વ્યકિતનાં મોત સાથે સાજા થયેલા દર્દીઓએ આ મહામારીને મ્હાત પણ આપી છે. બે દિવસ દરમ્યાન સૌથી વધુ 14 કેસ અંજારમાં નોંધાયા છે, તો ભુજ-ગાંધીધામમાં 11-11 કેસ નોંધાયા છે. મુંદરામાં 4, રાપરમાં 3, નખત્રાણામાં 2, અબડાસામાં 2, ભચાઉ અને માંડવીમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લાના કુલ પોઝિટિવનો આંક 835 પર પહોંચ્યો છે. ભુજના ભીડગેટ પાસે રહેતા 71 વર્ષીય વાલજી બુધા મારવાડાનો જન્માષ્ટમીની સવારે કોરોનાએ ભોગ લીધો હતો. 30મી તારીખે તાવ-શ્વાસ લેવામાં તકલીફ સાથે દાખલ થયેલા વાલજીભાઇને 12 દિવસ સુધી હાઇ લેવલ ઓક્સિજન, બાયપેપ અને વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર અપાઇ હતી. હાઇપર ટેન્શનની બીમારીથી પીડાતા આ વૃદ્ધનું ન્યૂમોનિયા સહિતની બીમારીનાં કારણે મોત થયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. આજે સૌથી વધુ 8 કેસ ગાંધીધામમાં નોંધાયા છે. જ્યારે ભુજ શહેરમાં એક તબીબ સહિત વધુ પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અંજાર શહેર અને તાલુકામાં વધુ 4 તો રાપર અને ગાગોદરમાં 1-1 અને માંડવી, મુંદરા, નખત્રાણામાં 1-1 કેસની નોંધ થઇ છે. રાપર શહેરમાં શંકરવાડી વિસ્તારમાં રહેતા આધેડને રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ શંકરવાડી વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ જ રીતે તાલુકાના ગાગોદર ગામે પીએચસીમાં ફાર્માસિસ્ટના પત્નીનો પલાંસવા ખાતે રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આ પૂર્વે જન્માષ્ટમીના દિવસે કોરોનાએ ફૂંફાડો મારવાનું જારી રાખ્યું હોય તેમ વધુ 27 લોકો આ મહામારીથી સંક્રમિત થયા હતા. સંક્રમિત થયેલાઓમાં  કચ્છ જિલ્લા કોંગ્રેસ અને જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ નવલસિંહ મહોબતસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવેલા ભચુભાઇ આરેઠિયાના સંપર્કમાં આવ્યા બાદ તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઇન થયા હતા. દરમિયાન તેમણે પરીક્ષણ કરાવતાં આઠમના દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અંજારમાં સૌથી વધુ નોંધાયેલા 10 કેસમાંથી છ દર્દીઓ એવા છે કે, જેમને અન્ય પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. અંજાર વિસ્તારમાં લોકલ સંક્રમણનો વ્યાપ ફેલાતાં ચિંતા પ્રસરી છે. અંજારમાં એક બાળક પણ કોરોનામાં  સપડાયો છે. આ તરફ જિલ્લા મથક ભુજમાં 4 સહિત કેરાની આઇસીઆઇસીઆઇ બેન્કના પટાવાળા તેમજ સુખપરના એક મળી કુલ છ દર્દીઓ સંક્રમિત થયા હતા. અબડાસા તાલુકાના કોઠારા ગામે બે તો મુંદરા નગરમાં પણ વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. નખત્રાણાના કોટડા ગામના વૃદ્ધ હૈદરાબાદથી પરત આવ્યા બાદ સંક્રમિત થયા હોવાનું તો રાપરના  હમીરપરમાં રહેતા યુવાન મુંબઇથી આવ્યા બાદ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ભચાઉના ગુણાતીતપુરમાં રહેતા વૃદ્ધ ગઢશીશાના કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધના સંપર્કમાં આવ્યા હતા અને તે પછી તેમણે રેપિડ એન્ટિજન ટેસ્ટમાં કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુંદરા તાલુકાના બારોઇ ગામ પાસે આવેલા સોસાયટી વિસ્તારમાં  કલાપૂર્ણ આશિષ સોસાયટી, હિંગલાજનગરમાં કોરોનાના કેસ આવતાં ચિંતા પ્રસરી હતી. ડો. રિતુ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કલાપૂર્ણ આશિષમાં 24, મકાન 88, વ્યક્તિ તથા હિંગલાજ નગરમાં 5, મકાન -24 વ્યકિતને કવોરેન્ટાઇન કરી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ડો. ગિરીવર બારિયા, હરિભાઇ જાટિયા, સંજયભાઇ, ગિરીશભાઇ, ક્રિષ્નાબેન વિગેરેએ ઉપસ્થિત રહી સર્વેની કામગીરી કરી હતી. બારોઇ?જૂથ ગ્રામ પંચાયત દ્વારા બંને સોસાયટીને સેનિટાઇઝ કરવામાં આવી હતી. ઉપસરપંચ ભોજરાજ ગઢવી, તલાટી અજયસિંહ જાડેજા સહયોગી થયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer