મેઘરાજાએ કચ્છમાં જન્માષ્ટમી મનાવી

મેઘરાજાએ કચ્છમાં જન્માષ્ટમી મનાવી
ભુજ, તા. 13 : કોરોનાના કારણે આ વર્ષે શ્રાવણી પર્વની મજા મરી ગઇ પણ કુદરત ક્યાંયે અન્યાય નથી કરવું એવા આશય સાથે પવિત્ર આઠમ દરમ્યાન અને વચ્ચે `ધોકા' દરમ્યાન મેઘરાજાને કચ્છમાં ઉતારીને ઘેરબેઠા આનંદિત કર્યા હતા. માંડવીમાં બુધવારે જન્માષ્ટમીએ વધુ સવા બે ઇંચ મહેર થઇ હતી, તો જિલ્લા મથક ભુજ સહિતના શહેરો-ગામડાંઓ પણ ઝરમર-ઝાપટાંથી દિનભર વખતો વખત પલળ્યા હતા. આ વરસાદે શ્રાવણિયા પર્વની રંગત પૂરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં કચ્છમાં એન.ડી.આર.એફ.ની વિશેષ ટીમ તૈનાત કરાઇ છે. ભુજમાં મંગળવારે અનરાધાર વરસીને મેઘરાજાએ બુધવારે વખતો વખત હાજરીઓ  પુરાવી હતી. જન્માષ્ટમીએ રસ્તા સુકાયા જ નહોતા એટલીવાર ઝાપટાંઓ વરસ્યા હતા. ત્રણ-ચાર માસથી અટકેલા અનેક લગ્નોત્સવ `ગોકુળિયા લગ્ન'રૂપે પાર પડયા હતા. ઝાપટાંઓના લીધે ગરમી અને બફારો પણ નહોતા વર્તાયા.- માંડવીમાં `આનંદભયો' : માંડવીથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવકીનંદનના પ્રાગટયોત્સવને સોળે કળાએ વધાવાયો હોય એમ વરુણદેવે સાતમ-ગોકુળ આઠમના  દિવસો દરમ્યાન ઓળઘોળ થઇને પંથકની વસુંધરાને તરબોળ કરતાં હરખના હિલોળા લેવાયા હતા. સાતમના અડધો ઇંચ, વચ્ચેના ધોકામાં એક ઇંચ ઉપરાંત નંદોત્સવ પર્વે પાછલી રાતે જમાવટ કરીને સવા બે ઇંચ જળાભિષેક કરતાં મોસમનો એકંદર આંકડો સવા 34 ઇંચ ઉપર અંકિત થઇ ગયો છે. વિજયસાગર છલકાઇ જતાં રૂકમાવતી નદી શાંત સ્વરૂપે બે કાંઠે વહેતી રહી છે. ચાર દિવસો દરમ્યાન પોરો ખાતાં ખાતાં ચારેક ઇંચ મેઘવૃષ્ટિ થતાં `સર્વત્ર આનંદભયો' અનુભવાય છે. નગર સેવા સદનના કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી પ્રમાણે અગિયારમીની બપોરે અંકિત થયેલો 779 મિ.મી.નો આંક આજે તેરમીની સવારે 857 મિ.મી. (સવા ચોંત્રીસ ઇંચ) ઉપર પહોંચી ગયો છે. ત્રણેક દિવસોથી પંથકમાં વરસાદ થકી ટોપણસર તળાવની આવ જીવતી રહી છે. `રુકરુક કર' હેતરૂપી વરસાદ થકી પાણી પાતાળમાં ઊતરતું રહ્યું છે. શાંત સ્વરૂપે વરસતી વર્ષારાણીના સામૈયામાં વેગીલો પવન જાનૈયો થતો રહ્યો છે. નીચાણવાળા રસ્તાઓ ઉપરથી જોશીલા વહેણ વહેતાં કેટલાક ધંધા સ્થળો, વાહનચાલકો સામે પડકાર સર્જાતો રહ્યો છે. ક્ષાર નિયંત્રણ યોજનાવાળા આડબંધને ઓળંગીને રૂકમાવતી નદી શાંત સ્વરૂપે બે કાંઠેથી સાગર સમીપ સરકતી હોવાથી થોડેઅંશે કુદરતી ડ્રેઝિંગ થયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. પંથકના નાગલપર, મસ્કા, ઢીંઢ, ગુંદિયાળી, ત્રગડી, મોઢવા, બાગ, કુંભારવાડા, શિરવા, મેરાઉ, દુર્ગાપુર, રાયણ, ભારાપર, ડોણ પંથકમાંથી પણ જન્માષ્ટમીના જલાભિષેકના વાવડ મળ્યા છે. દરમ્યાન કેટલાક સોસાયટી વિસ્તારોમાંથી ગટરો ઊભરાવા, ચોકઅપ થવાની સમસ્યાઓ સંભળાઇ હતી. પાકા રસ્તા વગરના સોસાયટીના વિસ્તારોમાં ગારો હોવાથી રહેવાસીઓ લાચાર બન્યા હોવાની પણ વિગતો મળી હતી. - કાંઠાળપટ્ટીમાં વધુ બે ઇંચ ઉમેરાયો : કાઠડાથી પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે માંડવીની કાંઠાળપટ્ટી વરસાદના આંકડામાં આગળ ચાલી રહી છે. જન્માષ્ટમીના દિવસથી ધીમી ગતિએ શરૂઆત કરતાં આજે સવાર સુધીમાં વધુ બે ઇંચ પડતાં મોસમનો આંક 35 ઇંચે પહોંચ્યો હોવાનું ખેડૂત અગ્રણી લખમશી બાપા વાડિયાએ જણાવ્યું હતું. ગુરુવારે સવારથી જ મેઘાએ મંડાણ કર્યા બાદ કાઠડા, શિરવા, નાના લાયજા, મેરાઉ, ગોધરા, દુર્ગાપુર સહિતના વિસ્તારોમાં બેથી અઢી ઇંચ વરસાદ પડયો હોવાનું સરપંચો વિરમ ગઢવી (નાના લાયજા), ભારૂ ગઢવી (કાઠડા), કાન્તિ ભાનુશાલી (શિરવા) સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું. આ વરસાદથી એક દાયકા પૂર્વ થયેલા રામમોલ જેવા જ હાલમાં થયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં આંખ ઠારતાં દૃશ્યો જોવા મળે છે. પશુપાલકો પણ ખુશખુશાલ હોવાનું કહ્યું હતું.- ગાંધીધામમાં સતત ઝાપટાં : અધિક સાતમે બપોરે 1થી 4 વચ્ચે અઢી ઇંચ વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ ગાંધીધામ સંકુલમાં ગઇકાલે તથા આજે સતત ઝાપટાંરૂપે હાજરી નોંધાવી હતી. આજે સવારે પણ ઝાપટાં વરસ્યા હતા. બપોરે 1 વાગ્યા આસપાસ ઘનઘોર વાદળોએ આકાશમાં કબ્જો લીધો હતો અને ધીંગીધારે વરસવાનું શરૂ કર્યું હતું. બે દિવસ દરમ્યાન છૂટાછવાયા વરસાદથી એકાદ ઇંચ પાણી વરસી ગયું હોવાનો અંદાજ છે. ઠેર ઠેર ભરાયેલાં પાણી તથા કીચડને કારણે નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી હતી. બે દિવસથી સૂર્યનારાયણ વચ્ચે વચ્ચે થોડીવાર જ ડોકિયું કરી જતા હોવાથી ભરાયેલાં પાણી સુકાયા નથી. બીજીબાજુ નગરપાલિકાના મેલેરિયા તંત્રને હજુ કામ શરૂ કરવાનું સૂઝયું ન હોવાથી પાણીના નિકાલ માટે કોઇ કામ કરતું જણાતું નથી. - બે દિવસમાં મુંદરામાં ચાર ઇંચ : મુંદરા પ્રતિનિધિનો હેવાલ જણાવે છે કે, છેલ્લા 2 દિવસ દરમ્યાન વધુ ચાર ઇંચ પાણી પડતાં મોસમના કુલ વરસાદનો આંકડો 725 મિ.મી. એટલે કે 29 ઇંચને સ્પર્શી ગયો છે. જન્માષ્ટમીના 67 મિ.મી. અને આજે 28 મિ.મી. મળી બે દિવસનો વરસાદ 95 મિ.મી. નોંધાયાનું સ્થાનિક મામલતદાર કચેરીના શ્રી મેસરિયાએ જણાવ્યું હતું. સમગ્ર તાલુકામાં એકથી ચાર ઇંચ વરસાદ આ બે દિવસ દરમ્યાન નોંધાયો છે. સીમાડાના ઘાસને તો લીલા લહેર થઇ ગયા છે જ્યારે પિયત અને કપિત જમીન ઉપર પણ બે દિવસ દરમ્યાન ધીમીધારે  અમૃત વરસ્યું છે.રાજાશાહી સમયના ખેંગાર સાગર ડેમમાં વીસ ફૂટ પાણી આવ્યું છે. સાડા બાવીસ ફૂટે ઓગન છે. આ ડેમના ઓગનના પાણી નગરની પાદરેથી વહેતી ભૂખી અને કેવડી નદીને વહેતી કરે છે એમ ગુલાબસિંહ જાડેજા જણાવે છે. મુંદરા તાલુકા કિશાન સંઘના પ્રમુખ નારાણભાઇ આહીર જણાવે છે કે ધરતી ધરાઇ ગઇ છે. નિચાણવાડા ઠામ પડામાં હવે `હન' થઇ જશે... એટલે કે પાણી સુકાશે જ નહીં. શ્રી આહીરે જણાવ્યું કે રામમોલ હવે ઊભો થઇ જશે. જ્યારે કપાસ, એરંડા ને મગફળીના વાવેતરને મોટો ફાયદો થશે. નગરમાં વારંવાર મુખ્ય માર્ગો ઉપરથી પાણી વહી નિકળ્યાં હતાં. મૈત્રી કોમ્પલેકસ પાસે રસ્તામાં ખાડા પડી જવાથી ટુ વ્હીલર ચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. - વાગડમાં મેઘમહેર જારી : રાપર પ્રતિનિધિનાં જણાવ્યાનુસાર જન્માષ્ટમીના દિવસે લોકો નંદમહોત્સવ કે કૃષ્ણ જન્મોત્સવ ઊજવી નહોતા શકયા પણ વરસાદે વાગડ પર અવિરત હેત વરસાવ્યું હતું. સવારથી સાંજ સુધી ઝરમરિયો વરસાદ રહ્યો હતો, જેનાથી રાપરના વગડાએ અને ડુંગરોએ જાણે કે લીલા વાઘા સજયા હતા. જન્માષ્ટમી અને આજે પારણાંની નવમીના પણ ઝરમરિયો વરસાદ અવિરત વરસીને ધરાને ધરવી રહ્યો છે. એકાદ-બે જગ્યાએ મટકીફોડ પણ પાંખી હાજરીમાં ઊજવાઈ હતી, તો લોકોએ કૃષ્ણ જન્મોત્સવ ઘરમાં જ રહીને ઊજવવાનું મુનાસીબ ગણ્યું હતું. રાપર તાલુકાના કલ્યાણપર, નંદાસર, નીલપર, રવ, પ્રાગપર, પલાંસવા, કીડિયાનગર, બાલાસર, ફતેહગઢ, મોડા, સણવા, આડેસર, કાનમેર, ગાગોદર, ભીમાસર, બેલા, મૌઆણા તેમજ ખડીર વિસ્તારમાં  વરસાદના ઝાપટાં પડયાં છે.- નખત્રાણા પર પણ હેત વરસ્યું : છેલ્લા બે દિવસથી ધૂપ-છાંવ અને ક્યારેક કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી રીમઝીમ મેહુલિયા વરસી રહ્યા છે. હળવા ઝાપટાના દોર ચાલુ છે. માર્ગો પર પાણી વહી રહ્યાં હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. સાતમ-જન્માષ્ટમી બે દિવસથી વરસાદી ઝાપટાં નખત્રાણા સહિત તાલુકામાં વરસી રહ્યા છે જેના કારણે પાકને ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને કપિત પાકને ફાયદો થશે. તો વરસાદી વાતાવરણ વચ્ચે માહોલ ભીનો ભીનો બન્યો છે. આ વરસાદના કારણે પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારના ડુંગરો લીલાછમ બન્યા છે. વરસાદી ઝાપટાંના કારણે ડુંગરો જાણે હિલ સ્ટેશન હોય તેવા લાગી રહ્યા છે. તો વરસાદી વાદળો ઠેઠ ડુંગરોની ટોચ પર આવી ગયા છે. ડુંગરની તળેટીમાં ભીખુ ઋષિનું સ્થાનક છે. હજુ પણ ચારેક દિવસની વરસાદની આગાહી છે. છેલ્લા બે વર્ષથી ચોમાસું સારું જતાં લોકોના મન બદલાઇ ગયા છે પરંતુ કોરોનાની મહામારીએ તહેવારોની ઉજવણીને ઝાંખપ લગાડી છે. બે દિવસથી મોટી વિરાણી, વાઢ, સુખપર રામેશ્વર વિસ્તારમાં ક્યારેક ઝાપટાં તો તો ક્યારેક ઝરમર વરસાદથી પાણી વહ્યાં હતાં. સાંગનારા, બેરૂ, સુખસાણ વિસ્તારમાં પણ ક્યારેક તડકો તો ક્યારેક ઝાપટાંરૂપે મેઘ?વરસ્યા હતા. નાની બન્નીના તલ, લૈયારી, છારી વિસ્તારમાં પણ બે દિવસથી ઝરમરિયો વરસાદ વરસ્યાના વાવડ છે.- ભચાઉમાં વધુ એક ઇંચ : ભચાઉથી પ્રાપ્ત વિગતો અનુસાર સાતમ-આઠમના તહેવારમાં અને આજે સવારથી ઝાપટાંરૂપે 24 મિ.મી. પાણી વરસતાં ગરમી બફારા પછી ઠંડું વાતાવરણ સર્જાયું છે. છૂટક?છૂટક ઝરમર સ્વરૂપે દરરોજ ઝાપટાં ચાલુ છે. પાણીના વોકળા નિરંતર વહે છે. મામલતદાર કચેરીએ આ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 446 મિ.મી. એટલે કે 18 ઇંચ જેટલો નોંધાયો હોવાનું ના.મા. શ્રી હુંબલે કહ્યું હતું. કણખોઇમાં ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસ્યો હોવાનું પડેલશા પીરના ગાદીપતિ મહમદશા બાપુએ કહ્યું હતું,  ચોપડવા, લુણવા, ગુણાતીતપુર, નંદગામ, ચીરઇ?વિસ્તારમાં ઝાપટાં સ્વરૂપે પાણી વહેતાં હોવાનું પંચાયતના સભ્ય રણધીર ધમાભાઇ?આહીરે જણાવ્યું હતું. કંથકોટમાં વરસાદી ઝાપટાનું ગુલાબસિંહ સમુભા જાડેજાએ કહ્યું હતું. ઘરાણામાં એક કલાક મૂશળધાર વરસાદથી એક ઇંચ પાણી વરસ્યાનું સામખિયાળી વેપારી મંડળના પ્રમુખ મોમાયાભાઇ?બાળાએ કહ્યું હતું. સામખિયાળીમાં ઝાપટાં પડયા હોવાનું તા.પં. સભ્ય હરિભાઇ હેઠવાડિયાએ કહ્યું હતું. ભચાઉ તાલુકાના કંથકોટ, કકરવા અને કુડા ગામે બે ઇંચ જેવી અડધા કલાકની ઝડીરૂપે વરસાદ વરસ્યો હતો. આ ઝડપી મેઘમહેર થકી કકરવા નાની સિંચાઇ ડેમમાં નવા ચાર ફૂટ પાણી અને ચાંગ સિંચાઇ?ડેમમાં ત્રણ?ફૂટ નવા પાણી આવ્યા છે. કુલ વરસાદમાં આઠ ફૂટ?નવા પાણી થયા છે. ઓગન 26 ફૂટે થાય. ગત વરસની સરખામણીએ ડેમમાં ઓછું પાણી આવ્યું છે. શિકારપુર વિસ્તારમાં ગઇકાલે આઠમનો વરસાદ હતો. આજેય પોણો ઇંચ વરસ્યો હતો. અમૃતપર, શિકારપુર ગામની નદી વહી રહી હોવાનું સરપંચ રહીમ ત્રાયાએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer