44 શિક્ષકમાં કેળવણી નિરીક્ષક સહિત ચાર કચ્છના

44 શિક્ષકમાં કેળવણી નિરીક્ષક સહિત ચાર કચ્છના
ભુજ, તા. 13 : શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2020 માટે 44 શિક્ષકોને સમાવતી આજે રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલી યાદીમાં કચ્છના ચાર શિક્ષકોનો વિવિધ કેટેગરીમાં સમાવેશ થાય છે. રાજ્યમાં એકમાત્ર કેળવણી નિરીક્ષકની પસંદગી તેમાં માંડવીના કેળવણી નિરીક્ષક (ટીપીઇઓ) મોહનલાલ જેઠાલાલ ફુફલનો સમાવેશ થાય છે.ખાસ શિક્ષકોના વિભાગમાં રાજ્યના બે શિક્ષકો પૈકી એક ભુજની ભાગોળે આવેલા નવચેતન અંધજન મંડળના હાલે માધાપર સીઆરસીમાં વિશિષ્ટ શિક્ષક તરીકે કામગીરી બજાવતા હિમાંશુ જયંતીલાલ સોમપુરા (જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજમાં ફરજ બજાવે છે) પસંદગી પામ્યા છે.માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પસંદગી પામેલા 7 શિક્ષકોમાં આદિપુરની આર.પી. પટેલ માધ્યમિક શાળાના આચાર્ય ડો. પ્રજ્ઞેશ પ્રવીણચન્દ્ર દવે સ્થાન પામ્યા છે. પ્રાથમિક વિભાગમાં 19 શિક્ષકો પૈકી એક ભુજની હિતેન ધોળકિયા પ્રાથમિક શાળાના શિક્ષક અશોકકુમાર મોહનલાલ પરમારનો સમાવેશ કરાયો છે. શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી યાદી આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ જાહેર કરી એવોર્ડ અર્પણવિધિ શિક્ષકદિન, પાંચમી સપ્ટેમ્બરે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને રાજ્યકક્ષાએ થતી હોય છે પણ આ વર્ષે કોરોનાના કારણે એવોર્ડ એનાયત સમારોહ જિલ્લાકક્ષાએ યોજાશે. આ એવોર્ડમાં શિક્ષકને પ્રમાણપત્ર, પુરસ્કાર, શાલ અને રૂા. 51 હજારનો ચેક અને જે-તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરાશે. કાર્યક્રમ કયાં યોજાશે તે અંગે હવે નિર્ણય લેવાશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.પ્રા. શિક્ષક શ્રી પરમારની પસંદગી બાબતે ડાયેટના પ્રાચાર્ય હસમુખભાઇ ગોરે જણાવ્યું કે યોગ્ય વ્યક્તિને એવોર્ડ અપાયો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer