પાવરપટ્ટીમાં મુછાળા કાનુડાની સ્થાપના સાથે ઉજવણી કરાઇ

પાવરપટ્ટીમાં મુછાળા કાનુડાની સ્થાપના સાથે ઉજવણી કરાઇ
બાબુ માતંગ દ્વારા-  નિરોણા (તા. નખત્રાણા), તા. 13 : કચ્છની સોઢા વસાહતો ઉપરાંત સામેપાર સિંધ?(પાકિસ્તાન)થી થરપારકરના વેડહાર, રોહત, જગારી, છછી, કેરટી, અરજખ, લસિયો, સજાઇ, માલણોર, ગોધિયાર, ખારિયો, ચેલાર, આલમસર, સલામકોટ, કાસબો વગેરે સોઢા ક્ષત્રિય સમાજની વસતીવાળા મુખ્ય ગામોમાં આજે એ જ પરંપરા સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે. ઘર પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે એ હેતુસર કાનુડા પાસે માનતા માનનારા પરિવારના ઘેર જ મૂર્તિઓનું નિર્માણ, રાત્રિ સત્સંગ અને જન્મોત્સવની ઉજવણી વેડહાર સહિતના ગામોમાં કરાઇ હતી. મૂર્તિ વિસર્જન પ્રસંગે પણ મૂર્તિ ઉપાડવા માટે પ્રચલિત માન્યતા મુજબ અપરિણીત યુવાન જ કાનુડાની મૂર્તિ માથે ઉપાડી વહેલી તકે સપ્તપદીના સાત મંગળ ફેરાના અવસરની કામના કરે છે તો ગામમાં નવી પરણી આવેલી નવોઢા રાધાજીની મૂર્તિ માથા પર ઊંચકી વહેલી તકે ખોળાના ખૂંદનારની ખેવના બંસીધર આગળ વ્યક્ત કરી જળ કાંઠે બંને મૂર્તિઓનું ભક્તિભાવ અને અનેરી આસ્થા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer