જંગીની બબાલ સંદર્ભે આઠ આરોપી સામે થઈ ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના જંગી ગામમાં  બે સમાજના જૂથ વચ્ચે થયેલી બબાલમાં   આઠ આરોપી સામે  મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે. તાલુકાના લખપત ગામમાં જ અન્ય બનાવમાં  પુત્રએ પિતાને માર માર્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જંગી ગામની બબાલના બનાવ મામલે ફરિયાદી આંબાભાઈ મ્યાજર સોલંકીએ આરોપીઓ રામજી જીવા આહીર, કમા જીવા આહીર, મહેશ મનજી મારાજ, રામકિશન પ્રેમજી મારાજ, પ્રેમજી કાના આહીર, અંગદ મગન મારાજ, રોહિત મગન મારાજ અને સહદેવ મગન મારાજ સામે  ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદી  બજારમાંથી ઘરે જતા હતા તે દરમ્યાન આરોપીઓએ તેમના ઉપર લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.  ફરિયાદીના ભત્રીજા છોડાવવા  વચ્ચે પડતાં તેમના ઉપર પણ પાઈપ વડે હુમલો કરાયો હતો. આ બનાવમાં ચાર જણને  હળવાથી ગંભીર  પ્રકારની ઈજા પહોંચી હતી.  વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ભચાઉ તાલુકાના લખપત ગામમાં મારામારીનો બીજો બનાવ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ  બન્યો હતો. આરોપી કળીયુગી પુત્ર ગોવિંદ માવજી વાવિયાએ તેના  66 વર્ષીય પિતા માવજી રામજી વાવિયાને ધક-બૂસટનો માર માર્યો હતો.  આરોપી પુત્રએ જૂનું મકાન તોડીને નવું બનાવવાની વાત કરી હતી. ફરિયાદીએ  તે વાતને નકારી દીધી હતી, જેથી ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને માર માર્યો હતો, તેમજ અપશબ્દો કહી  મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer