વીરાના યુવાનના બેન્ક ખાતામાંથી શખ્સે 38 હજાર ઉપાડી લીધા

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના વીરા ગામના યુવાનના ખાતામાંથી અજાણ્યા ઈસમે ઓટીપી મેળવી રકમ ચાંઉ કરી લીધી હતી. આ મામલે ભેજાબાજ શખ્સ સામે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત એપ્રિલ મહિનામાં બન્યો હતો. 62895 38924 મોબાઈલ નંબર ઉપરથી રાહુલ નામના શખ્સે ફરિયાદી  રામજી રાજા આગલ (આહીર)ને ફોન કર્યો હતો.  ઠગબાજ શખ્સે ફોન ઉપર પોતાની ઓળખ છુપાવી હતી અને ચાલુ ફોનમાં જ એ જ નંબર ઉપરથી ફરિયાદીને એક લિંક  મોકલી હતી.  ભોળવાઈ ગયેલા ફરિયાદીએ લિંક ખોલતાં ટીમ વ્યૂઅર એપ્લીકેશન ખૂલી હતી. ઠગબાજના કહેવા મુજબ  યુવાને એપ્લીકેશનમાં તેના એટીએમનો 16 આંકડાનો નંબર નાખ્યો હતો.  આ દરમ્યાન બેન્ક દ્વારા ઓટીપી આવ્યો હતો. ઓટીપી ઓટોમેટિક જનરેટ થતાં આરોપીએ  યુવાનના ખાતામાંથી રૂા. 38 હજાર ઉપાડી લીધા હતા. પાંચ મહિના જૂના બનાવ અંગે પોલીસે આઈ.ટી એકટ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer