ધોનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ: આજે ચેન્નાઈ પહોંચશે

રાંચી, તા.13: ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલના પ્રોટોકોલનું પાલન કરીને તેના ગૃહનગર રાંચી ખાતે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે. આથી આ 39 વર્ષીય સ્ટાર ક્રિકેટર હવે ટૂંક સમયમાં જ ચેન્નાઈ રવાના થશે. રાંચીની એક પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા ધોનીનો કોરોના ટેસ્ટ બુધવારે થયો હતો. જે આજે નેગેટિવ જાહેર થયો છે. રાંચીમાં ધોનીએ ઇન્ડરો પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો પ દિવસીય ટૂંકો કેમ્પ તા. 1પમીથી એમ. ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહ્યો છે. જે માટે ધોની ચેન્નાઈ જઈ રહ્યો છે. જ્યાં ધોનીનો ફરી 17 અને 18 ઓગસ્ટે કોરોના ટેસ્ટ બીજા ખેલાડીઓ સાથે થશે. રિપોર્ટ અનુસાર ધોની આવતીકાલ તા. 14મીએ ચેન્નાઈ પહોંચશે. ધોનીનાં નેતૃત્વમાં ચેન્નાઈની ટીમ આઇપીએલમાં ત્રણ વખત ચેમ્પિયન બની છે. આ વખતે આઇપીએલ યુએઇ ખાતે તા 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે. ધોની છેલ્લે 2019માં વન ડે વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ન્યુઝિલેન્ડ સામે રમ્યો હતો. આ પછીથી તે પ્રતિસ્પર્ધી ક્રિકેટથી દૂર છે. ધોની આઇપીએલથી વાપસી કરવાનો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer