ગાંધીધામમાં દુકાનમાં ઘૂસીને 90 હજાર રોકડ તફડાવી

ગાંધીધામ, તા. 13 : શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં એક શખ્સે દુકાનમાં આવી કામદારોને વાતોમાં ભોળવી રોકડ  રકમની તસ્કરી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના ખન્ના માર્કેટમાં આવેલી રીહાન ફીસ નામની દુકાનમાં આ બનાવ ગત તા. 12ના સવારે સાંજના 8  વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી ફારૂક અનવર પટેલ (મુસ્લિમ)  નમાજ માટે મસ્જિદ ગયા હતા અને તેમની દુકાનમાં કામ કરતા બે માણસો હતા. આ ગાળામાં આરોપી સલમાન ઈકબાલ મિયાણા દુકાનમાં આવ્યો હતો. આ ભેજાંબાજ શખ્સે દુકાનમાં રહેલા બન્ને માણસોને વાતોમાં ભોળવી લીધા હતા. અને  કબાટમાં પડેલા  વેપારના રોકડા રૂા. 90 હજાર નજર ચૂકવી સેરવી લીધા હતા. માણસોને આરોપીએ રકમની ચોરી કરી હોવાનું ભાન થતાં આરોપી નાસી છુટયો હતો.  દુકાનમાં કામ  કરતા માણસોએ તેનો પીછો કર્યો હતો. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો. શહેરના ધમધમતા વિસ્તારમાં રોકડ રકમની ચોરીના બનાવના પગલે ભારે  ચકચાર પ્રસરી હતી. પોલીસે  શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer