લઠેડીની સીમમાં પવનચક્કી તૂટી : 47 હજારનો કોપર કેબલ ચોરાયો

કોઠારા (અબડાસા), તા. 13 : તાલુકાનાં લઠેડી ગામની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કી તસ્કરોનું નિશાન બની હતી. આ સ્થળેથી રૂા. 47,250ની કિંમતનો કોપર કેબલ ચોરી જવાયો હતો. તો બીજી બાજુ ભુજ તાલુકાના ઢોરી ગામે સ્મશાન ખાતેથી ચોરીનો કિસ્સો બન્યો હતો.  પોલીસે આપેલી માહિતી મુજબ ગત તા. 11મીના રાત્રિથી આજે સવાર સુધીમાં તસ્કરીનો આ કિસ્સો બન્યો હતો. આ બાબતે ચાંગડાઇ ગામના જીવરાજ હરધોર ગઢવીએ લખાવેલી ફરિયાદ મુજબ તસ્કરો રૂા. 47,250ની કિંમતનો 675 મીટર કેબલ કાપીને લઇ ગયા હતા. આ પવનચક્કી બંધ હાલતમાં હોવાનું જણાવાયું છે.કોઠારા ફોજદાર એચ.એચ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ઢોરી ગામે ગામના સ્મશાનગૃહને તસ્કરોએ નિશાન બનાવ્યાની વિગતો બહાર આવી હતી. આ સ્મશાનમાં સિમેન્ટના ઓટલા નીચે બનાવાયેલા ખાનાનું તાળું તોડીને તેમાં રખાયેલી રૂા. ચાર હજારની કિંમતની ચાર તાંસળી કોઇ હરામખોરો ચોરી ગયા હતા. આ બાબતે ધના લખમણ બતા આહીરે પોલીસ ફરિયાદ લખાવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer