ભારે વરસાદની આગાહીના પગલે કચ્છમાં એનડીઆરએફની ટીમને રખાઇ સ્ટેન્ડબાય

ભુજ, તા. 13 : સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના હવામાન વિભાગે કચ્છમાં પણ આજથી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે વરસાદની આગાહીના પગલે કચ્છનું પ્રશાસન સતર્ક બન્યું છે. તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમને કચ્છમાં તૈનાત રાખવામાં આવી હોવાનું ડિઝાસ્ટર મામલતદાર સી. આર. પ્રજાપતિએ વિગતો આપતાં કહ્યું હતું. 14થી 16 ઓગસ્ટ સુધી વરસાદ વરસવાની વધુ સંભાવના જોતાં ડેમના હેઠવાસ હેઠળ આવતા ગામો વરસાદ સમયે સંપર્કવિહોણા થતાં ગામો ઉપરાંત કાંઠાળ વિસ્તારમાં કેવા પ્રકારના તકેદારીના પગલાં ભરવા તેનું તમામ મામલતદારો ઉપરાંત સંબંધિત અન્ય વિભાગના જવાબદારોને માર્ગદર્શન-સૂચના આપી દેવાયા છે. હવામાન ખાતાની આગાહી સાથે આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા કયા 12થી 15 પ્રકારના આગોતરા તકેદારીના પગલાં ભરવા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જિલ્લામાં કેટલાક ડેમો પણ ઓવરફ્લો થઇ?ચૂક્યા હોવાના લીધે ફ્લડ સેલમાંથી મળતા આંકડાઓનું સતત મોનિટરિંગ કરી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા ઉપરાંત તાલુકા સ્તરે કાર્યરત કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહેવાની સૂચના પણ તમામ વિભાગોને આપવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાન દ્વારા તાલુકા સ્તરે તમામ જવાબદારો સાથે આ મુદ્દે પરામર્શ પણ કરવામાં આવ્યો હોવાનું મામલતદારે માહિતી આપતાં કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer