જન્માષ્ટમીના સપરમા દિવસે કિડાણામાં બાળકનો જીવ ગયો

ગાંધીધામ, તા.13 :જન્માષ્ટમીના સપરમા તહેવારના દિને ગાંધીધામ સંકુલમાં અકસ્માત મોતના બે બનાવમાં કુમળી વયના બાળક અને યુવાનની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. તાલુકાના કિડાણા ગામમાં પાણીના ટાંકામાં પડી જતાં એકવર્ષીય બાળક રિતેક રાજેશ પ્રજાપતિનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે આદિપુરમાં નામોરી રાયશી દેવરિયાએ  ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં અકસ્માત મોતનો બનાવ આઠમના સવારે 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી બાળક રમતાં રમતાં અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયો  હતો. પરિવારજનોનું ધ્યાન જતાં બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે  તેનું મોત નીપજ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવના જ દિને કુમળી વયના બાળકનાં મોતના બનાવની માતા પિતા અને પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ હતી. જ્યારે ગામમાં પણ ભારે અરેરાટી પ્રસરી હતી. અકસ્માત મોતનો બીજો બનાવ આદિપુરના વોર્ડ વન-એ  વિસ્તારમાં બન્યો હતો. હતભાગી યુવાને ગઈકાલે સવારે 11.30 વાગ્યાના અરસામાં   ગળેફાંસો ખાઈ ફાની દુનિયાને અલવીદા કહી હતી. બનાવ પછવાડેનું કારણ અકળ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer