કીડિયાનગરમાં કૌટુંબિક બબાલમાં ગોળીબાર

ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાના કીડિયાનગર ગામમાં કૌટુંબિક બાબતની બબાલમાં નાના ભાઈએ મોટા ભાઈના પરિવારને મારી નાખવાના ઈરાદે ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં  મોટા ભાઈ અને તેના પુત્રને ઈજા પહોંચી હતી.  બીજી બાજુ બંદરીય કંડલામાં જૂના  ઝઘડા બાબતે પાંચ જણે યુવાન ઉપર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ  કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.વાગડ પંથકમાં કોરોના મહામારીના નિયંત્રણ માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમ્યાન સામૂહિક હત્યા સહિત 10 જેટલા લોકોની હત્યા નીપજાવાઈ હોવાના બનાવ બન્યા છે, ત્યારે નાના ભાઈના પરિવારજનોએ મોટા ભાઈના પરિવાર ઉપર ફાયરિંગ કરતાં ભારે ચકચાર પ્રસરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ કીડિયાનગરમાં હત્યાના પ્રયાસનો આ બનાવ ગત તા. 11ના બપોરે 12 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ દેવુ રવા કોલી, દિનેશ ઉર્ફે ટીનો દેવુ કોલી, મુકેશ દેવુ કોલી અને પાંચીબેન દેવુ કોલી ફરિયાદી માલા રવા પરમારના ઘરે પહોંચ્યા હતા. આરોપી દેવુ કોલીએ ફરિયાદીને કહ્યું કે, તમે દિનેશની પત્નીને તેડવા કેમ જતા નથી. આના કારણે સમાજમાં પોતાની આબરૂના ધજાગરા ઊડતા હોવાનું કહ્યું હતું. ફરિયાદી મોટા ભાઈએ દિનેશને પત્ની સાથે મનમેળ થશે ત્યારે તેડવા જશે તેવું કહેતાં આરોપીઓ ઉશકેરાઈ ગયા હતા. આજે તો તમને પતાવી જ નાખવા છે તેવું કહી આરોપી ભત્રીજા દિનેશ દેવુ કોલીએ દેશી તમંચાથી કાકા ઉપર ફાયરિંગ કર્યું હતું.  ફરિયાદી અને તેના પુત્રને  ગોળી વાગતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.ગોળીબાર  કરી આરોપીઓ નાસી ગયા હતા. બાદમાં ઘાયલ પિતા પુત્રને ગાગોદર બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બંદરીય કંડલાના બન્ના ઝૂંપડા  વિસ્તારમાં હુમલાનો  બનાવ ગત તા. 12ના સાંજે 6.30  વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ કાદર નૂરમામદ પરીટ, અશગર નૂરમામદ  પરીટ, નૂરમામદ આધમ પરીટ, અયુબ આદમ પરીટ અને  ગની અયુબ પરીટે  ગેરકાયદે મંડળી રચી ફરિયાદી  અલી દાઉદ  પરીટ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હતભાગી યુવાનને છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ફરિયાદી અને અયુબ પરીટના છોકરાઓ વચ્ચે  ઝઘડો થયો હતો. આ ઝઘડા બાબતે આરોપીઓએ બોલાચાલી કરી યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. કંડલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કંડલામાં બાઈક અથડાવવા મુદ્દે થયેલા ઝઘડા બાબતે સમાધાન બાદ થયેલી અથડામણમાં ત્રણ જણાની હત્યા નીપજાવાઈ હતી. કંડલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer