અંજારની યોગેશ્વર ચોકડીને `યમરાજ ચોકડી'' જાહેર કરો

અંજારની યોગેશ્વર ચોકડીને `યમરાજ ચોકડી'' જાહેર કરો
અંજાર, તા.11 : શહેરની યોગેશ્વર ચોકડી અકસ્માતોના કારણે સતત ચર્ચામાં રહે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 22/7ના અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં તેની અમલવારીમાં પોલીસતંત્ર વામણું પુરવાર થયું છે. ત્યારે હવે આ યોગેશ્વર ચોકડીને યમરાજ ચોકડી જાહેર કરાય તેવા કટાક્ષ સાથેના ચાબખા વિપક્ષ દ્વારા થયા છે અને રક્ષાબંધનના દિને પસાર થતાં ભારે વાહનચાલકો સામે ગાંધીગીરીનો માર્ગ અપનાવાયો હતો. આજ વહેલી સવારે જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરીને યોગેશ્વર ચોકડીથી કળશ સર્કલ તરફ પસાર થતી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. સદનસીબે વહેલી સવાર હોતાં અવર-જવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિનો અહેવાલ નથી. થોડા દિવસ અગાઉ ડો. હિતેશ ઠક્કર, અંજાર નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક જિતેન્દ્ર ચોટારા તેમજ સ્થાનિક  લોકો દ્વારા ટ્રક પાયલટને વિનંતી કરાઈ કે, આ રોડ પર ભારેથી અતિભારે વાહનો માટે નીકળવા પર પ્રતિબંધ છે ત્યારે જાહેરનામાના ભંગ બદલ રજૂઆત કરતા જાગૃત તેમજ પ્રજાના પ્રતિનિધિ ઉપર ઊલટી ફરિયાદ કરવામાં આવી હતી તે બિલકુલ અયોગ્ય છે. જેનો સોશિયલ મીડિયામાં ઉગ્ર વિરોધ થયો છે.  જાહેરનામાના બોર્ડ પ્રતિબંધિત રોડ પર તેમજ રસ્તાની એન્ટ્રી પાસે લોખંડના બેરિકેડ રાખવામાં આવ્યા હોવા છતાં અંદર ટ્રક ઘૂસી આવે છે તે યક્ષ પ્રશ્ન છે. રક્ષાબંધનના દિને ડો. હિતેશ ઠક્કર પરિવાર તેમજ જિતેન્દ્ર ચોટારા દ્વારા ગાંધીગીરીનો માર્ગ અપનાવી પસાર થતા ટ્રકચાલકોને રાખડી સુરક્ષા કવચ, મીઠાઈ અને હનુમાન ચાલીસા આપી સન્માન કરી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટના ઓર્ડરની કોપી આપવામાં આવી હતી અને હવે આ રોડનો ઉપયોગ ન કરવા સમજાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer