ભુજમાં ધોધમાર : ત્રણ કલાકમાં 3 ઇંચ

ભુજમાં ધોધમાર : ત્રણ કલાકમાં 3 ઇંચ
ભુજ, તા. 11 : લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે દિવસથી જિલ્લા મથકે ઝરમર હળવાં ઝાપટાં રૂપી શ્રાવણી સરવડાંની નિરાશા વચ્ચે આજે બપોરે ત્રણ કલાકના ગાળામાં ભુજમાં જોરદાર વરસાદ સાથે મેઘરાજાએ ઝમકદાર ફટકાબાજી કરી હોય તેમ ત્રણ ઈંચથી વધુ એટલે કે 82 મિ.મી. જેટલા વરસાદે વગર મેળે હૈયાં હિલોળે ચડાવ્યા હતા. આ ઉપરાંત ભુજ તાલુકાના મિયાંણીપટ્ટીમાં દોઢ ઈંચ, પશુપાલકોના વિસ્તાર બન્નીમાં એકથી દોઢ ઈંચ પાણી વરસ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામમાં અઢીં ઈંચ, અંજારમાં 25 મિ.મી., માંડવીમાં 25 મિ.મી. ઉપરાંત નખત્રાણા તાલુકાના ગામો, ભચાઉ, મુંદરામાં ઝરપરાથી ઝાપટાંના હેવાલથી ગોકુળ અષ્ટમી સુધરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભુજ તાલુકાના મિયાંણીપટ્ટીના કોટડા (ચકાર) વિસ્તારમાં બે દિવસમાં ધીમી ધારે અને મુશળધાર વરસાદ સાથે વરલી, થરાવડા, બંદરા, ચકાર, સણોસણા, રેહા મોટા, હાજાપર, હટડી, વડવા વિસ્તારમાં બે દિવસથી પડતાં આશરે દોઢેક ઈંચ વરસાદ પડયો છે અને સાતમ આઠમના તહેવારોમાં આ વિસ્તાર તરબતર થઈ ગયા છે. ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ભુજમાં બપોરે દોઢ  વાગ્યાના સુમારે આસમાનમાં વાદળોની જમાવટ થયા બાદ એકાએક ઝરમર ઝાપટાંએ મુશળધાર વરસાદનું જોર પકડયું, ત્રણ કલાક વરસેલા એકધારા શાંત વરસાદે સાંજના પાંચ વાગ્યા સુધી પાણી-પાણી  કરી  નાખ્યું હતું. આના લીધે રાબેતા મુજબ અનેક રસ્તાઓ પર પાણીનો ભરાવો થયો હતો, તો મોટા બંધમાંય આવ શરૂ થતાં લોકો ભીંજાઈને પણ મોટા બંધનો નજારો જોવા નીકળી પડયા હતા. ભુજમાં સારા વરસાદથી કચ્છભરમાં વાવડ પહોંચતાં ફોન પર કુટુંબીઓએ ખુશી દર્શાવી હતી. ગાંધીધામમાં અઢી ઇંચ મેઘરાજાએ વધારાની સાતમને અવગણીને આજે જાણે કે જન્માષ્ટમીની ઉજવણી કરી હોય તેમ ગાંધીધામ સંકુલમાં બરાબર મટકી ફોડના સમયે  જ બપોરે 1થી 4 વાગ્યાના અરસામાં અઢી ઇંચ જેવું પાણી વરસાવ્યું હતું. દરવર્ષે જન્માષ્ટમીનું મુહૂર્ત મોટેભાગે મેઘરાજા સાચવતા રહ્યા છે. ઘણા વર્ષ તો એવાં પણ છે કે, રાંધણ છઠ્ઠથી આઠમ સુધી લગાતાર વરસાદ થયો હોય. આજે સવારથી વાદળોથી ઘેરાયેલું આકાશ અને બફારો વરસાદનો વર્તારો આપતા હતા. પરોઢે તથા સવારે 9 વાગ્યા આસપાસ ભારે ઝાપટાંરૂપે વરસેલા મેઘરાજા બપોરે 1 વાગ્યે જોશભેર ત્રાટકતાં દોઢેક કલાકમાં બેથી અઢી ઇંચ પાણી પડી ગયું હતું. ઝરમર સ્વરૂપે તો સાંજ સુધી તેમણે હાજરી આપી હતી. જોશભેર વરસતા વરસાદે મટકી ફોડની સૌને યાદ અપાવી હતી. નીચાણવાળા વિસ્તારો, કોલોનીઓમાં જળ ભરાવ થયો હતો. પાણી નિકાલની અયોગ્ય વ્યવસ્થા ફરી ચાડી ખાતી જણાઇ હતી. મુખ્ય બજાર હોય કે અપનાનગર, લીલાશાહનગર, ભારતનગર બધે જ ઝડપથી પાણી નહીં નીકળી શકતાં નાગરિકોની હાલત કફોડી થઇ હતી. દ્વિચક્રી વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મામલતદાર કચેરી સ્થિત કન્ટ્રોલ રૂમે આજનો વરસાદ 32 મિ.મી. નોંધ્યો હતો. અંજારમાં ઝાપટાંરૂપે એક ઈંચ અંજાર શહેરમાં આજે આખો દિવસ વરસાદી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાં સાથે શ્રાવણી સરવડાં જેવો વરસાદ થયો હતો. બપોરના 2થી 4 વચ્ચે જોરદાર ઝાપટાં સાથે 25 મિ.મી (એક ઈંચ) વરસાદ નોંધાયો. અગાઉનો 503 મિ.મી. સાથે સિઝનનો વરસાદ 528 મિ.મી. થયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવા-ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદ થયો હોવાના વાવડ છે. નખત્રાણા પંથક ખુશખુશાલ આજે નખત્રાણા સહિત પંથકમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડતાં આ શ્રાવણી તહેવારોની ઘરબેઠા ઉજવણીની લોકોને મોજ આવી ગઇ હતી. તો સમયાંતરે પડતા આ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા હતા. સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને ત્રણેક વાગ્યાની આસપાસ વરસાદના હળવાંથી મધ્યમ ઝાપટાં પડયાં હતાં. આ વરસાદથી માર્ગો પર પાણી વહ્યાં હતાં તો ઝરમર ઝરમર વરસાદના કારણે નગરમાં કાદવ-કીચડની સમસ્યા સર્જાઇ હતી. તાલુકાના બેરુ, નારાણપર, રામપર (રોહા), પિયોણી, જાડાય, વ્યાર, નાગલપર, અંગિયા, નાના-મોટા ધાવડા, દેવપર યક્ષ તેમજ પાવરપટ્ટીના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઇ હતી. નદી-નાળા પણ જીવંત બની ઊઠયાં છે. તો ફોટ મહાદેવ, પિયોણી મહાદેવ પાસેની નદીમાં ખળખળ વરસાદી પાણી વહી રહ્યાં છે. દક્ષિણ પટ્ટીના ગામોમાં દોઢ-બે ઇંચ નખત્રાણા તાલુકાના રોહા, કોટડા, સુખપર, મંગવાણા, જિયાપર, પલીવાડ, માધાપર-મોરગર, વિજપાસર, વિણાપર, આણંદપર, મંજલ, તરા, પૂંઅરેશ્વર, લાખાડી, યક્ષ સમગ્ર પટ્ટીમાં દોઢથી બે ઇંચ વરસાદથી નદી-નાળાં જોરશોરથી વહી નીકળ્યાં હતાં. બીજીતરફ વાડી-ખેતરોના કયારા ભરાઇ ગયા હતા. સાતમ-આઠમના તહેવારોમાં મેઘમહેરથી લોક જીવનમાં ખુશીની લહેર ફરી વળી હતી. પલીવાડથી નરપતસિંહ જાડેજાએ વરસાદના સમાચાર હર્ષભેર આપતાં જણાવ્યું હતું કે, આજે બપોરે દોઢ વાગ્યાના સમયે પોણા કલાકમાં પલીવાડ, મંગવાણા, લાખાડી ગામોમાં 2 ઇંચથી ઉપર વરસાદ વરસતાં નજીકની લાખાડી નદીમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. જેથી આ વિસ્તારનો પાલારધુના કુદરતી પાણીના ધોધમાં નજારો સર્જાયો હતો તેવું જણાવી લાખાડી નદીનું પાણી નિરોણા પાસેના ઓરીડા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં ભરાશે એમ કહ્યું હતું. બીજીતરફ દેશલપર-વાંઢાય, વડવાભોપા, વડવાકાંયામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વીજ કેબલ બળી ગયો મંગવાણા, જિયાપર, કુરબઇ, વરમસીડા, વિજપાસર, સુખપર, ખીરસરા આ વિસ્તારોમાં એકથી દોઢ ઇંચથી નદી-નાળાં-ચેકડેમો ફરી ઓવરફલો થયા હતા. મંગવાણામાં પીજીવીસીએલનો કેબલ ધડાકા સાથે બળી ગયો હતો, જેને યુદ્ધના ધોરણે પીજીવીસીએલના કામદારોએ રિપેરિંગની કામગીરી કરી હતી તેમજ ખેતરોમાં હવે પાકને પાણીનો ઓવરડોઝ થઇ રહ્યો છે. તલી, મગ, ચોળા જેવા પાક તડકાની રાહ જોઇ રહ્યા છે. મગફળીના પાન પીળા થવાં લાગ્યાં છે તેવું ક્યાંક ખેડૂતોએ જણાવ્યું હતું. બન્ની પંથકમાં વરસાદ ભીરંડિયારા, રેલડી, મદન, હોડકો, સેરવા, સરાડા અને આજુબાજુના વિસ્તારમાં બે ઇંચ ધોધમાર વરસાદ પડતાં માલધારી લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. બપોરે 4 વાગ્યાની આજુબાજુ ચાલુ થયેલા વરસાદે 30 મિનિટમાં જ બન્ની પંથકના ઘણા બધા ગામડાંઓના ખામણાઓ છલોછલ ભરી દીધાં હતાં.માધાપર તરબતર શ્રાવણ માસમાં સરવરિયાં પછી માધાપર અને તેની આસપાસના વિસ્તારમાં પ્રથમ વખત લોકોએ વરસાદની મોજ માણી. બપોરે 1.45થી શરૂ થયેલો વરસાદ સતત 4 વાગ્યા સુધી ચાલુ રહી 70 એમ.એમ. જેટલા વરસાદથી બજારમાં પુષ્કળ માત્રામાં પાણી વહી નીકળ્યાં હતાં. કુકમામાં પાણી વહી નીકળ્યાં કુકમામાં આજે બપોરથી પડેલા વરસાદે લોકોને ખુશ કર્યા હતા. બપોરે ત્રણની આસપાસ થયેલા વીજળીના કડાકાને લીધે ક્યાંક વીજળી પડયાની ચર્ચાએ જોર પકડયું હતું. ધીમી ધારે લાંબો વખત ચાલેલા વરસાદે ગામમાં અનેક જગ્યાએ પાણી વહેડાવ્યાં હતાં. અંદાજે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ કુકમામાં થઇ ગયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer