લખપત તાલુકાને ધોધમાર વરસાદની જરૂર

લખપત તાલુકાને ધોધમાર વરસાદની જરૂર
દયાપર (તા. લખપત), તા. 11 : છેવાડાના લખપત તાલુકામાં છૂટાછવાયા ઝાપટાં સ્વરૂપે 9 ઈંચ વરસાદ છતાં ડેમ-તળાવો હજુ ઓગન્યા જ નથી. જો કે પુષ્કળ ઘાસચારો થવાની સંભાવના છે. 85 ટકા વિસ્તાર સચરાચર વરસાદની પ્રતીક્ષામાં છે.તાલુકાના જીવાદોરી સમાન ગોંધાતડ ડેમ ઓગન્યો છે પરંતુ તેમાં 40 ટકા પાણીનો જથ્થો રિઝર્વ રખાયો હતો. તેથી આ ડેમમાં પાણીની આવક થતાં જ ઓગની ગયો છે. આજુબાજુના નાના-મોટા ડેમ પણ ઓગની ગયા છે. કારણ કે આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હતું, જેથી પવિત્ર નારાયણ સરોવરમાં પણ મોટી જળરાશિ જમા થઈ છે.કોરિયાણી, કપુરાશી, ગોધાતડ, કૈયારી, નાની છેર, મોટી છેર, નારાયણ સરોવર, કનોજ વગેરે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ આ વર્ષે સારું હોતાં ડેમ, તળાવો ઓગની ગયા છે અને ખેતી, પશુપાલનને પણ પુષ્કળ ફાયદો થયો છે.તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવેલા કન્ટ્રોલ રૂમમાં મોસમનો કુલ વરસાદ 238 મિ.મી. (9 ઈંચ) જેટલો નોંધાયો છે. કન્ટ્રોલ રૂમ દયાપરમાં છે. દયાપરનું તળાવ હજુ ઓગન્યું નથી. ગત વર્ષે તળાવ ઓગની ગયું હતું. પરંતુ આ વર્ષે છૂટક છૂટક વરસાદ પડતાં સીમ તળાવોમાં ક્યાંક બે માસના કે ક્યાંક 6, 8, 10 માસના પાણી આવ્યા છે.તાલુકાનો નરા ડેમ 30 ફૂટ પાણી આવે ત્યારે ઓગને છે, પરંતુ આ સમગ્ર મોસમના કુલ વરસાદમાં આ મોટા ડેમમાં ફક્ત બે ફૂટ નવું પાણી આવ્યું છે, જેથી કુલ 12 ફૂટ પાણી નરા ડેમમાં છે. ગત વર્ષે ડેમમાં સંગ્રહિત જળરાશિમાંથી 10 ફૂટ પાણીને રિઝર્વ રખાયું હતું. આ 10 ફૂટ પાણી ગત વર્ષનું છે. નરા ડેમને ઓગનવા હજુ 18 ફૂટ પાણીની જરૂર છે ! નરા વિસ્તાર `િમનિ પંજાબ' તરીકે ઓળખાય છે.ભાડરા, આશાપર વિસ્તારમાં પણ મેઘરાજાની પ્રથમ ઈનિંગ્સ વખતે સારી મેઘમહેર થઈ જેમાં હાલે ત્રણ દિવસ પહેલાં પણ આ વિસ્તારમાં વરસાદનું જોર સારું હતું, તેથી ભાડરા ડેમને ઓગનવા હવે અઢી ફૂટ પાણીની જરૂર છે. આ સાથે નાના ડેમ-તળાવો પણ ઓગન્યા નથી.લખપત તાલુકાના કિસાન અગ્રણી ભવાનભાઈ મુખીએ કહ્યું હતું કે, તાલુકાના ખેડૂતો રામમોલના ભરોસે છે. આ ઉપરાંત 50 ટકા ખેતી હવે  ડેમ-તળાવો પર આધારિત છે.સીમ તળાવો, નાના ડેમો હજુ ભરાયા નથી. પ્રથમ વરસાદે જ તાલુકામાં વાવેતર થઈ ગયું છે. હાઈવેપટ્ટીના ગામડાંઓમાં મોટાભાગે મગફળીનું વાવેતર થયું છે. જ્યારે અંતરિયાળ ગામડાંઓમાં મગ, તલ, ગુવાર વગેરે કઠોળનું મોટાપાયે વાવેતર થયું છે. અગાઉ વડીલો ખેતીમાં જેટલો પાક થાય તેટલો બધો વેચી ન નાખતાં આવનારા વર્ષના બિયારણ માટે રાખતા. હવેની પેઢી આવું નથી કરતી, પરિણામે બિયારણ માટે દોડધામ અને ધક્કા ખાય છે. લખપત તાલુકામાં તો ક્યાંય બિયારણ મળતું નથી. અન્યત્ર તાલુકામાંથી વેપારીઓ પાસેથી બિયારણ ખેડૂતો લઈ આવે છે.  ગમે તેવું બિયારણ પણ ખેડૂતો લઈને આવી જાય છે. પરિણામે મુશ્કેલી પડે છે અને સો ટકા ઉતારો આવતો નથી. સાનધ્રો ડેમમાં પણ સાડા પાંચ ફૂટ નવું પાણી આવ્યું છે. હજુ ઓગનવામાં વાર છે. સમગ્ર તાલુકામાં ફક્ત 15 ટકા વિસ્તારમાં જ સારો વરસાદ થયો છે. આવું વિચિત્ર ચોમાસું જે લોકોએ પહેલી વાર જોયું છે. ઘડુલીથી લાખાપર વચ્ચે તળાવોમાં પાણી પણ નથી આવ્યા. સામાન્ય જળરાશિ છે. મહામારી વચ્ચે ખેડૂતોએ હવે ખેતરે જાણે વસવાટ કરી દીધો છે. આખો દિવસ ખેતરના કામોમાં કેમ નીકળી જાય તે ખબર પડતી નથી તેવું ખેડૂતો કહે છે પશુઓને ઘાસચારાની વ્યવસ્થા તો થઈ ગઈ પણ સીમતળાવોમાં 12 મહિનાનાં પાણી આવી જાય તો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer