મુંદરા-બારોઈની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં ઘેર જનારાઓ રોજ કાદવ ખૂંદે છે

મુંદરા-બારોઈની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં ઘેર જનારાઓ રોજ કાદવ ખૂંદે છે
મુંદરા, તા. 11 : મુંદરા અને બારોઈના સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. વત્સલ પાર્કમાં રહેતા નાગરિકોએ રૂબરૂમાં આવી ફરિયાદ કરતાં જણાવ્યું કે, રાજગોર સમાજવાડી પાસેથી અમારા ઘેર જવાનો રસ્તો છે પણ પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાથી આવ-જામાં ગંદાં પાણીમાંથી પસાર થવું પડે છે, તેમ દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. વત્સલ પાર્કની ફરિયાદના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે બારોઈ ગ્રા.પં.ની હદમાં આવતી 80થી વધુ અને મુંદરા ગ્રા.પં. વિસ્તારમાં આવતી 30થી વધુ સોસાયટીઓ પૈકી મોટા ભાગની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા જ નથી. જ્યાં પેવર કે સિમેન્ટના રસ્તા બન્યા છે ત્યાં યાતાયાત રાબેતા મુજબ ચાલે છે, પણ માલિકીના ખાલી પ્લોટ અને સાર્વજનિક પ્લોટ રસ્તાથી નીચા છે, પરિણામે વરસાદી પાણી નીકળતું નથી. સૂત્રો માહિતી આપતાં જણાવે છે કે, જ્યાં ગટર યોજના પણ અસ્તિત્વમાં નથી ત્યાં પણ ગ્રા.પં. ગટરવેરો ઉઘરાવે છે. બારોઈ અને મુંદરાનો રહેણાક વિસ્તાર સતત વધતો જાય છે પણ સફાઈ કામદારોનું મહેકમ વધતું નથી. પરિણામે કેટલીક સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી. વરસાદી પાણીમાં પલળી ચૂકેલી માટી વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બને છે. સોસાયટીના જવાબદાર નાગરિકો હાથવગાં સાધનોથી પાણી નિકાલ અને ચાલી શકાય તેવી પગદંડી બનાવવાના પ્રયત્નો કરે છે. પણ ગ્રામ પંચાયતના સૂત્રધારોએ પગલાં લેવાં જોઈએ એવું ત્યાંના નાગરિકોનું માનવું છે. નાના તળાવ બની જવા પામેલી સોસાયટીઓના મૂળ માલિકો તો ક્યાંય ખોવાઈ ગયા છે. કાગળ ઉપર પ્લોટો વેચાઈ ગયાને લાખો-કરોડો રૂપિયા ગાંઠે બાંધી ચાલતી પકડી છે. હવે પ્લોટ ખરીદનારા અને મકાન બનાવનારાનો મરો શરૂ થયો છે. પ્લોટ વેચાણના એટલા ઊથલા લાગી ગયા છે કે હવે ખરેખર ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી કોણે - એ સમજવું કઠિન બન્યું છે. સમગ્ર સોસાયટી વિસ્તારને ચોમોસાની મોસમમાં હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યાં મકાનો છુટાછવાયાં બન્યાં છે ત્યાં ગાંડા બાવળની પણ સમસ્યા છે. સોસાયટીમાં આંતરિક રસ્તા પહોળા મુકાયેલા છે. જ્યારે સી.સી. કે પેવર રોડ એથી સાંકડા બન્યા છે. ટૂંકમાં મુંદરા અને બારોઈ વિસ્તારના રહીશો વરસાદી ગંદાં પાણીના ત્રાસથી વાજ આવી ગયા છે. જેનો કોઈક રસ્તો કાઢવો જોઈએ તેવી ત્યાંના રહીશોની માગણી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer