કાલથી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટનો પ્રારંભ

સાઉથમ્પટન, તા.11: કોરોના મહામારી વચ્ચે સુરક્ષિત વાતાવરણમાં ઇંગ્લેન્ડ અને પ્રવાસી પાકિસ્તાન વચ્ચેની ત્રણ ટેસ્ટની શ્રેણીના બીજા મેચનો ગુરૂવારથી અહીં પ્રારંભ થશે. પહેલા મેચમાં 3 વિકેટની રોમાંચક જીત બાદ ઇંગ્લેન્ડની ટીમ 2-0ની અતૂટ સરસાઇથી શ્રેણી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. તો બીજી તરફ પાક. ટીમનો ઇરાદો વાપસી કરીને શ્રેણી 1-1થી સરભર કરવાનો રહેશે. મેચ ગુરૂવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે. બીજા મેચમાં ઇંગ્લેન્ડને તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ખોટ વર્તાશે. તે ફેમિલી કારણોસર બાકીના બે મેચમાંથી ખસી ગયો છે. ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે સ્વીકાર્યું છે કે સ્ટોકસની જગ્યા ભરવી શકય નથી. આ ઉપરાંત ઇંગ્લેન્ડનો બેટસમેન ડેન લોરેંસ તેના પરિવારના એક સભ્યના નિધનને લીધે બાયો સિકયોર બબલથી બહાર નીકળ્યો છે. આથી તેની સેવા પણ બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડને મળશે નહીં. જો કે પહેલા ટેસ્ટની ઇલેવનમાં તેને જગ્યા મળી ન હતી. પાકિસ્તાન માટે બીજા ટેસ્ટમાં ટોચના બેટધરોએ ઉમદા પ્રદર્શન કરવું મહત્ત્વનું છે. પહેલા મેચની પહેલી ઇનિંગમાં શાન મસુદે સદી (1પ4) અને બાબર આઝમે અર્ધસદી કરી હતી. બાકીના તમામ બેટધરો નિષ્ફળ રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer