બીસીસીઆઇનું પ્રતિનિધિ મંડળ આવતા સપ્તાહે યુએઇ પહોંચશે

મુંબઈ, તા. 11 : બીસીસીઆઇના ટોચનું પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દુબઇ પહોંચશે અને યુએઈમાં આઇપીએલ સાથે જોડાયેલ તમામ સ્થળનું નિરિક્ષણ કરશે. આઇપીએલની 13મી સિઝન કોવિડ-19ને લીધે યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન આયોજિત થઈ છે. જે માટે બીસીસીઆઇને ભારત સરકાર તરફથી ગઇકાલે લેખિત મંજૂરી પણ મળી ચૂકી છે. આઇપીએલના તમામ મેચ ત્રણ શહેર દુબઇ, અબુધાબી અને શારજાહ ખાતે રમાશે. ગલ્ફ ન્યુઝના રિપોર્ટ અનુસાર આઇપીએલ ચેરમેન બ્રિજેશ પટેલ, બીસીસીઆઇના સીઈઓ હેમાંગ અમીન સહિતના અધિકારીઓ યુએઈ પહોંચ્યા બાદ તેમની હોટેલના રૂમમાં 6 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. આ પછી તેઓ કામ પર લાગશે. બીસીસીઆઇએ આ ઉપરાંત નવા ટાઇટલ સ્પોન્સર માટે ઓનલાઇન આવેદન મંગાવવાની પ્રક્રિયા પર શરૂ કરી છે. જે જમા કરવાની આખરી તારીખ 14 ઓગસ્ટ છે. ટાઇટલ સ્પોન્સરની અરજી માટે ઓછામાં ઓછી 300 કરોડ રૂપિયાની રકમ બીસીસીઆઇએ જાહેર કરી છે. જે કંપની સૌથી વધુ રકમની બોલી લગાવશે તેને આ સિઝનના હક મળશે. હાલ આ માટે પતંજલિ, બાયજૂસ, જિઓ સહિતની કેટલીક કંપનીઓ રેસમાં હોવાના રિપોર્ટ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer