કોરોનાકાળમાં વરસાદજન્ય રોગોનો ફેલાવો અટકાવવો બનશે મોટો પડકાર

ભુજ, તા. 11 : હાલ સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય સાથે કચ્છમાં પણ વૈશ્વિક મહામારીના કારણે ઉચાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ વચ્ચે વરસાદજન્ય બીમારીઓ માથું ન ઊંચકે તે માટે જોઇએ તેવાં પગલાં ભરાતા ન હોવાનું હાલના તબક્કે ઊપસીને સામે આવતું દેખાઇ રહ્યું છે. જો આ બાબતો પર ગંભીરતા દેખાડવામાં નહીં આવે તો અન્ય બીમારીઓ પોતાનો પગપેસારો કરે તેવી સંભાવનાને નકારાતી નથી. જાગૃત નાગરિકોએ આ મહત્ત્વની બાબતે ટકોર કરતાં કહ્યું કે, સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોવાના લીધે ડેંગ્યુ, મેલેરિયા ઉપરાંત વાયરલ ફીવર મોટા પ્રમાણમાં દેખા દેતો હોય છે. હાલે પણ વરસાદી માહોલમાં માખી-મચ્છરનો ઉપદ્રવ વધી ગયેલો જોવા મળી રહ્યો છે. તંત્ર?હાલમાં મોટા ભાગે કોરોનાની કામગીરીમાં પરોવાયેલું પડયું હોવાના કારણે મચ્છરોના વધતા ઉપદ્રવને નાથવા માટે શહેરી હોય કે ગ્રામીણ?કોઇપણ વિસ્તારમાં ફોગિંગની કામગીરી કરાતી હોય તેવું દેખાતું નથી.વળી કોરોનાની મહામારી સમયે સેનિટાઇઝેશનની કામગીરીમાં જોઇએ તેવી ધારદારતા દેખાડાતી હોય તેવું જોવા મળતું નથી. જ્યાં કેસ નીકળે ત્યાં માંડ એકાદવાર સેનિટાઇઝેશનની કામગીરી કરી સંતોષ માની લેવાય છે. જિલ્લાની વાત કરીએ તો ગયા વરસે ડેંગ્યુના રોગે ભારે ઉધમાત મચાવ્યો હતો ત્યારે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જો અન્ય મચ્છર અને પાણીજન્ય બીમારીઓને નાથવા માટેના કોઇ આગોતરા તકેદારીનાં પગલાં ભરવામાં નહીં આવે તો કોરોનાની સાથે અન્ય આવી બીમારીઓનો વ્યાપ વધશે તો સ્ટાફની ઘટ અને ટાંચા સાધન-સંસાધન સાથે કામ કરતા આરોગ્ય તંત્ર માટે તો આ બેવડો પડકાર બની જશે. કોરોનાને કાબૂમાં લેવો આમેય અત્યારે ભારે પડી રહ્યો છે ત્યારે સમયવર્તે સાવધાનની નીતિ અપનાવી આરોગ્ય વિભાગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સંકલન સાધી દવા છંટકાવ કરવા સહિતના અન્ય તકેદારીનાં પગલાં ભરવા માટે સુસજ્જતા કેળવી સુઆયોજિત સુઆયોજન ઘડવું અતિઅનિવાર્ય બની ગયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer