રાજ્ય સ્તરના ગેરકાયદે હથિયાર કાંડમાં પ્રથમ પકડાયેલા ભુજના પાંચ આરોપીને જામીન અપાયા

ભુજ, તા. 11 : આ શહેરની ભાગોળે નાગોર રોડ ખાતેથી શરૂ થયેલા અને બાદમાં રાજ્યવ્યાપી નીકળેલા ગેરકાયદેસર હથિયારોના કાંડમાં પકડાયેલા પાંચ આરોપીને અદાલત દ્વારા જામીન અપાયા હતા. આ પ્રકરણમાં ભુજના અકરમ ઉર્ફે અઝિમ શિકારી થેબા, અનવર કાસમ લોહાર, મુસ્તફા ઉર્ફે સદામ ગુલામશા શેખ,અઝિમ ઓસમાણ થેબા અને જાકબ સુમાર બાફણને જામીન ઉપર મુક્ત કરતો આદેશ કોર્ટએ કર્યો હતો.વગર લાયસન્સની રાઈફલો અને હાથ બનાવટની બંદૂકો તથા જીવતા કારતૂસ સહિતની રૂા. 4.30 લાખની માલસામગ્રી સાથે આ કેસમાં શિકાર કરીને પરત ફરતા બે જણ ઝડપાયા બાદ એક પછી એક પાંચ જણની સંડોવણી ખૂલતાં તેમની ધરપકડ થઇ હતી. આ બાબતે અત્રેના બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. તો રાષ્ટ્રીય પક્ષી માદા મોરનો શિકાર થયાનું બહાર આવતાં તે બાબતે પણ કાયદાકીય કાર્યવાહી થઇ હતી. આ પછી આ કેસમાં કડીબદ્ધ પગલાં લેતાં પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજ્ય ત્રાસવાદ વિરોધી દળે રાજ્યભરમાં ફેલાયેલા ગેરકાયદે હથિયારોના કાંડનો પર્દાફાશ કર્યો હતો.  દરમ્યાન આ કેસની તપાસ પૂર્ણ થતાં અને ચાર્જશીટ પણ રજૂ થઇ જતાં આ પાંચેય આરોપી માટે જામીનની અરજી મુકાઇ હતી. અત્રેના આઠમા અધિક સેશન્સ જજ ડી.જી. રાણા દ્વારા જામીન મંજૂર કરતો ચુકાદો અપાયો હતો.- બોગસ દસ્તાવેજ કેસમાં જામીન : ભુજ તાલુકાના ભારાપર ગામે આવેલી ખેતીની જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી આ જમીન બારોબાર વેંચી મારી રૂા. સાડા બાર લાખની ઉચાપત કરવાના કેસમાં આરોપી મનીષભાઇ ઉર્ફે મુન્નાભાઇ પ્રસાદભાઇ રાવતને અત્રેના છઠ્ઠા અધિક સેશન્સ જજ સી.એમ. પવારની કોર્ટએ જામીન આપતો આદેશ કર્યો હતો. માનકૂવા પોલીસ મથકમાં આ ગુનો દાખલ થયો હતો.આ બન્ને કેસમાં આરોપી વતી વકીલ તરીકે એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી અને અમન સમા રહયા હતા. -મામલતદારની ખોટી સહીના કેસમાં આરોપી નિર્દોષ ઠર્યો : મામલતદારની ખોટી સહી કરવા સંબંધી આઠ વર્ષ જુના કેસમાં ખિલેશ ભીમજી મારવાડાનો નિર્દોષ છુટકારો અદાલત મારફતે થયો હતો. આ પ્રકરણમાં મામલતદારની ખોટી સહી કરીને ખોંભડી ગામના ખેતા રામજી પટેલને ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર આપી દેવાયું હોવાનો આ કેસ મે-2012માં નોંધાયો હતો. નખત્રાણા ખાતે અધિક ચીફ કોર્ટ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. 14 સાક્ષીને તપાસવા સાથે બન્ને પક્ષની દલીલો સાંભળી ફરિયાદ પક્ષ કેસ સાબિત કરી શકયો ન હોવાનું તારણ આપી ન્યાયાધીશ આશિષકુમાર પટેલે તહોમતદારને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે નખત્રાણાના વસંતદાન આર. ગઢવી રહયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer