રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સાપ્તાહિક ઉજવણીનો આરોગ્ય વિભાગ દ્વારા આરંભ

ભુજ, તા. 11 : રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીનો આજથી કચ્છમાં આરંભ કરાયો હતો. તા. 17 સુધી એકથી 19 વર્ષનાં બાળકોને ચાવવાની ગોળીઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે. જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઈ કોઈ મુખ્ય કાર્યક્રમ યોજવાને બદલે આશા, આંગણવાડી કાર્યકરો અને મહિલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિતરણનો આરંભ કરાયો છે. જિલ્લા રસીકરણ અધિકારી ડો. શ્રીમાળીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો આ કાર્યક્રમ વર્ષમાં બેવાર યોજાય છે. હાલે શાળાઓ બંધ હોવાથી ઓછી સંખ્યા હશે ત્યાં આંગણવાડી ખાતે બોલાવીને અને જરૂર જણાયે ઘેર ઘેર જઈને અપાશે. આ સાપ્તાહિક કૃમિનાશક દિવસ ઉજવણી દરમ્યાન શાળાએ ન જતા અને નોંધાયેલા ન હોય તેવાં બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાં ખવડાવવા વાલીઓને ડો. શ્રીમાળીએ જાહેર અનુરોધ કર્યો હતો. આર.સી.એચ.ઓ. ડો. શ્રીમાળીએ કૃમિથી બાળકોને તકલીફ અંગે જણાવ્યું કે, કૃમિ હોય તો કુપોષણ અને લોહીની ઊણપ થાય છે. જેના કારણે હંમેશાં થાક વર્તાય છે. કૃમિથી માનસિક અને શારીરિક વિકાસમાં પણ અવરોધ થાય છે. કૃમિના સંક્રમણને સ્વચ્છતાનાં પાલનથી અટકાવી શકાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer