અંજારના વીર બાળભૂમિ સ્મારક માટે બીજા તબક્કામાં 7.50 કરોડનું ટેન્ડર

ગાંધીધામ, તા. 10 : અંજારના નાગરિકોની  સંવેદના સાથે જોડાયેલાં વીર બાળભૂમિ સ્મારકનું કામ છેલ્લા કેટલાય સમયથી ઘોંચમાં છે. ત્યારે જી.એસ.ડી.એમ.એ.દ્વારા આ સ્મારકના ઈન્ટિરીયર  સહિતના કામો માટે બીજા તબક્કાનું  7.50 કરોડનું ટેન્ડર બહાર  પાડવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.2001માં આવેલા વિનાશક ભૂકંપમાં શહેરના બાળકો, શિક્ષકો, પોલીસ કર્મચારી  સહિતના અનેક લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.આ હોનારતમાં દિવંગત થયેલાની સ્મૃતિમાં અંજારમાં વીર બાળભૂમિ સ્મારક બનાવવાની જાહેરાત કરાઈ હતી. 19 વર્ષના વહાણાં વહી જવા છતાં  આ સ્મારક ન બનતાં લોકોએ  સરકાર  અને વહીવટી તંત્ર સમક્ષ નારાજગી ઠાલવી છે.અંજારના વીડી ચાર રસ્તા પાસે આ સ્મારકના નિર્માણ અર્થે 9.46 કરોડ  જેટલી માતબર  રકમની ફાળવણી  કરાતાં અહીં કામગીરીનો ધમધમાટ શરૂ થયો હતો, તેવામાં અચાનક આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા અચાનક કામ  બંધ કરવાની  સૂચના  અપાતાં  વધુ એક વખત કામ અટકયું હતું. તાજેતરમાં જી.એસ.ડી.એમ.એ. દ્વારા બીજા તબક્કામાં આ સ્મારકના કામ માટે  7.50 કરોડનું  ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઓડિટોરીયમ, મ્યુઝિયમ, પીકચર ડિસ્પ્લે વોલ, ભૂકંપનો અનુભવ કરાવતાં સિમ્યુલેટર, લાઈટીંગ, ઈન્ડોર-આઉટડોર કેફેટેરિયા સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે. ભૂકંપના સમયે તથા વાસ્તવિક સમયમાં ચલચિત્ર તથા ચિત્ર દર્શાવતી પ્રોજેકશન સર્ફેસને એલ.ઈ.ડી. ક્રીનમાં દર્શાવવાનું આયોજન રાજય સરકાર દ્વારા  બીજા  તબક્કામાં કરવામાં આવ્યું હોવાનું જાણકારોએ જણાવ્યું  હતું. વીર બાળભૂમિ સ્મારકનું  બીજા  તબક્કાનું ટેન્ડર  26/8ના   ખૂલશે અને  તેની કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા 4 માસની રહેશે તેવું ટેન્ડરમાં દર્શાવાયું છે. આ સ્થિતિએ  આગામી  26 જાન્યુઆરીએ ભૂકંપની 20મી વરસીએ આ સ્મારકનું કામ લોકો માટે ખુલ્લું હશે તેવી આશા નાગરિકોને બંધાઈ છે. રાજયમંત્રી વાસણભાઈ આહીરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, જી.એસ.ડી.એમ.એ.ના અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં એક બેઠક  યોજાઈ હતી. જેમાં   મુખ્યમંત્રી  વિજય રૂપાણી દ્વારા વીર બાળભૂમિ સ્મારકના બીજા તબક્કા માટે વધુ  7.50 કરોડની રકમ  ફાળવી  કામ  ઝડપભેર પૂર્ણ  કરવા સૂચના આપી હતી.નોંધપાત્ર છે છેલ્લા કેટલાક સમયથી આ આપદામાં દિવંગત થયેલા લોકોના પરિવારજનો અને  શહેરના  લોકોની  લાગણી સાથે જોડાયેલા આ સ્મારકના નિર્માણને નામે  હૈયાધારણ જ  મળી છે. વધુ એક વખત આ સ્મારકનું નિર્માણનું કામ આગળ વધ્યું છે. સરકારના પ્રતિનિધિઓઁ,  તંત્રોએ પરસ્પર સંકલન કરી આ સ્મારક વિના વિઘ્ને ઝડપભેર પૂર્ણ થાય તે જોવા માંગ ઉઠી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer