અંજારને જીવલેણ અકસ્માતમાંથી મુક્ત કરો : બાયપાસ રોડ આપો

અંજાર, તા. 11 : ભૂકંપ બાદ અંજાર ફરતે બનેલા રિંગરોડની રચના બાદ રિંગરોડનો ઉપયોગ શહેર બાયપાસ તરીકે કરવામાં આવે છે અને માલવાહક વાહનોને કારણે રોજિંદા નાના-મોટા તેમજ જીવલેણ અકસ્માતોના બનાવ બને છે અને 100 જેટલા લોકોના અકસ્માતને કારણે મૃત્યુ પણ થયાં છે, તેવી કોંગ્રેસે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.આ બાબતે અવાર-નવાર સંસ્થા, વ્યક્તિ, રાજકીય પક્ષો દ્વારા  તંત્ર સમક્ષ અનેક રજૂઆતો બાદ એકાદ બે વખત રસ્તા રોકો આંદોલન પણ સંસ્થા કે વિપક્ષ?દ્વારા  કરાયા અને તંત્રને પણ તેની ગંભીરતાનો  અહેસાસ થતાં એકાદ વર્ષ અગાઉ કલેક્ટરે પ્રાથમિક જાહેરનામું બહાર પાડીને વાંધા-સૂચનો મગાવ્યા હતા. ત્યારબાદ આખરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જિલ્લા કોંગ્રેસના મંત્રી દિલીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. પરંતુ આ સમસ્યાનો મૂળમાંથી ઉકેલ મળે અને અંજારની જનતાને  અને ખાસ કરીને તે વિસ્તારના લોકોને સમસ્યામુકત કરવા હોય તો આ સમસ્યાનો મૂળ ઉકેલ એવો `અંજાર બાયપાસ માર્ગ' કે જે નાગલપુર પહેલાં પેટ્રોલ પમ્પની બાજુમાંથી ભુજ તરફ નીકળે છે તેનું કામ ગમે તે જગ્યાએ  અટકેલું - અધૂરું છે તે સત્વરે પૂર્ણ કરાવવામાં આવે તેવું તેમણે પત્રમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer