ગાંધીધામમાં બોન્ડેડ વેરહાઉસના ગોદામમાંથી વિદેશી દારૂની તસ્કરી !

ગાંધીધામ, તા. 11 : શહેરના સેકટર-1-એમાં આવેલા મનાલી ચેમ્બર નામના બિલ્ડિંગમાં રહેલા એક બોન્ડેડ વેરહાઉસના ગોદામનાં તાળાં તોડી કોઈ શખ્સો તેમાંથી રૂા. 97,667ના વિદેશી શરાબની ચોરી કરી નાસી ગયા હતા. જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ સંકુલમાંથી પોલીસે અનેક વખત ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબ પકડયો છે. તેવી જ રીતે વિદેશી શરાબ પણ અનેક વખત અહીં પકડાયો જ છે તેવામાં બોન્ડેડ વેરહાઉસમાંથી મોંઘા અને વિદેશી શરાબની ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા દુષ્યંત રમેશ પટેલ નામના આધેડે ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરના સેકટર-1એમાં આવેલા મનાલી ચેમ્બર નામના બિલ્ડિંગમાં તેઓ મનાલી ઈન્ટરનેશનલ નામનું લીકર બોન્ડેડ વેરહાઉસ ધરાવે છે. શિપિંગનું કામ કરતા આ ફરિયાદીના ગોદામમાં તસ્કરોએ હાથ માર્યે હતો.પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના આ વેરહાઉસની ગેલેરીનો પાછળનો લાકડાનો દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. બાદમાં શટરનાં તાળાં તોડી છેક અંદર પહોંચી ગયા હતા. અંદર રહેલી વિદેશી આઈલેન્ડ ગ્રીન સ્કોચ વ્હીસ્કીની છ બોટલ, બ્રાન્ડી બારીનેટ સ્કોચ વ્હીસ્કીની 12 બોટલ, બેલેનટાઈન સ્કોચ વ્હીસ્કીની 72 બોટલ, ટીચર્સ સ્કોચ વ્હીસ્કીની 12 બોટલ, કિંગ રોબર્ટ સ્કોચ વ્હીસ્કીની 12 બોટલ, જોહન બાર સ્કોચ વ્હીસ્કીની 60 બોટલ એમ 16 પેટીમાં રહેલી 174 બોટલ તથા ઓરેન્જ બુમ બિયરના 24 ટીન મળીને કુલ રૂા. 97,667ના શરાબની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ગત તા. 8/8ના સાંજથી તા. 10/8ના સવાર દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી વિદેશી શરાબની શોધખોળ કરી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer