ભુજની ભાગોળે કલાપી હોટલ ખાતેથી બસમાં રખાયેલો શરાબ ઝડપી પડાયો

ભુજ, તા. 11 : શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપર કાર્યરત કલાપી હોટલ ખાતે ઊભેલી ખાનગી લકઝરી બસમાંથી રૂા.17,500ની કિંમતના શરાબના જથ્થા સાથે પોલીસે આ હોટલના માલિક માધાપરના રહેવાસી કરણ વિમલ ચૌહાણ (સોની)ની ધરપકડ કરી હતી. આ દરોડા સમયે સહઆરોપી માધાપરનો પદુભા જાડેજા હાથમાં આવ્યો ન હતો. પોલીસ સાધનોએ આ વિશે આપેલી જાણકારી મુજબ માધાપર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલીથી નળવાળા ચકરાવા તરફ જતા માર્ગ ઉપર કાર્યરત કલાપી હોટલ ખાતે લકઝરી બસમાં રાખીને દારૂની બાટલીઓનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીના આધારે સ્થાનિક બી-ડિવિઝન પોલીસે આ દરોડો પાડયો હતો. આ સ્થળેથી સ્વામિનારાયણ લખેલી જી.જે. 01-એક્સ.એક્સ.-9757 નંબરની લકઝરી બસમાંથી એપિસોડ બ્રાન્ડના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની 50 બાટલી પોલીસને મળી આવી હતી. રૂા. 17,500ના આ જથ્થા સાથે પોલીસે રૂા. પાંચ લાખની લકઝરી બસ પણ કબ્જે કરી હતી. બનાવનાં સ્થળેથી કલાપી હોટલના માલિક માધાપરમાં નરનારાયણનગર ખાતે રહેતા કરણ ચૌહાણની ધરપકડ કરાઇ હતી. જ્યારે સહઆરોપી માધાપર ગામે ઇન્દ્રવીલા સોસાયટીમાં રહેતો પદુભા જાડેજા પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ શખ્સ હાથમાં આવ્યે વધુ કડીઓ મળવાની આશા પોલીસે વ્યક્ત કરી હતી.દરમ્યાન, પોલીસે જારી કરેલી યાદી મુજબ હાલે રાજસ્થાન ચોખી ધણીના નામના પાટિયાથી આ હોટલ ચાલે છે. હોટલ માલિકને કોરોના પરીક્ષણ માટે પોલીસે મોકલ્યો હતો. હોટલનો માલિક કરણ `કચ્છની ઓળખ' નામના અખબારનો સહતંત્રી પણ હોવાનું પોલીસે કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer