રાજકોટમાં રવીન્દ્ર જાડેજા-પોલીસનું ઘર્ષણ

રાજકોટ, તા. 10: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિવાદમાં સપડાયો છે. અહીના કિશાનપરા ચોકમાં માસ્ક નહી પહેરવા સહિતની બાબતે રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરીના કારણે મામલો થાળે પડયો હતો. આ ઘર્ષણ દરમિયાન એક મહિલા પોલીસની તબિયત લથડી હતી. સામાપક્ષે રીવાબાએ પોલીસે તેમની સાથે ઉધ્ધતાઇભર્યુ અને તોછડાઇભર્યુ વર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા રાતના સમયે કિશાનપરા ચોકમાં વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સમયે એક કાર આવી હતી. તે કાર રોકવામાં આવી હતી. કારમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા હતાં. એ બન્નેએ માસ્ક પહેરલ ન હતાં. તેમની પાસે લાયસન્સ સહિતના કાગળોની માગણી કરવામાં આવી હતી. આ બાબતે ક્રિકેટર અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવામાં આવી હતી.તેના પગલે નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. રીવાબાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે તેમની સાથે ઉધ્ધતાઇભર્યુ અને તોછડાઇભર્યુ વર્તન કર્યુ હતું. આ ધમાલ દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલ ગણેશપરીની તબિયત લથડી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલા હેડ કોન્સ્ટેબલનું બ્લડ પ્રેસર લો થઇ ગયાનું જણાવાય છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરીના કારણે મામલો થાળે પડયો હતો. એવું કહેવાય છે કે, જાડેજા દંપતી પાસેથી દંડ વસુલ કર્યા વગર જવા દેવાયા હતાં. હાલમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer