કચ્છમાં કોરોનાની રફ્તાર વણથંભી; વધુ 32 કેસ

કચ્છમાં કોરોનાની રફ્તાર વણથંભી; વધુ 32 કેસ
ભુજ, તા. 10 : કચ્છમાં જ્યારે પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારે તો આખા જિલ્લામાં ભયનો માહોલ ઊભો થઇ ગયો હતો અને ત્યાર પછી સંક્રમણનો સિલસિલો વધવા મંડતાં હવે આંકડો ક્યાં જઈને અટકશે તથા કોણ કોણ સંક્રમિત થશે કે બચશે તેની ચર્ચા-ચિંતાએ જોર પકડયું છે. એકબીજાના સંપર્ક હોય કે બહારથી આવેલા પોઝિટિવ કેસના કારણે વધતી દર્દીઓની યાદીએ તો આજે છ મહિનાના તમામ રેકર્ડ બ્રેક કરીને આંકડો 32 પર પહોંચાડયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાની સૂચનાને પગલે સરકાર તરફથી સતત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે કે સંક્રમણથી બચવાનો પ્રયાસ કરો પરંતુ અજ્ઞાનતા હોય કે બેદરકારી કચ્છમાં દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે એ હકીકત છે અને એ જ ચિંતાનો વિષય છે. જિલ્લા વિકાસ અધિકારીએ આજે જાહેર કરેલી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી મુજબ ગાંધીધામમાં વધુ 8, ભુજ 8, અંજાર 5, રાપર 6, મુંદરા તેમજ માંડવી તાલુકા સહિત તમામ વિસ્તારોમાં કેસ આજે પણ આવ્યા હોવાથી છમાંથી છસ્સો ને હવે આઠસોની નજીક દર્દીઓની યાદી આગળ વધતી જઈ રહી છે. સામાન્ય સંજોગો કરતાં હવે ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ જ વધી જતાં પોઝિટિવ રિપોર્ટ પણ વધતા જાય છે. આજે એક જ દિવસમાં 775 નમૂના કચ્છભરમાંથી લેવામાં આવ્યા પછી 32 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે 13 જણે કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી છૂટી અપાઈ છે. ડી.ડી.ઓ. શ્રી જોષીની યાદી પ્રમાણે કચ્છમાં એક્ટિવ કેસની સંખ્યા 237 થઇ છે. અત્યાર સુધીમાં 489 જ્યારે કુલ પોઝિટિવનો આંકડો 763 થયો છે જ્યારે હજુ સુધી 33 મોત નોંધાયાં છે. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ ગાંધીધામના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને સુરતમાં ડયૂટી બજાવી આવેલા સ્ટાફ નર્સનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ભુજપુર (તા. મુંદરા)ના બસ સ્ટેશન પાસે આવેલા ગોકુલ એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ત્રણે સભ્યોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. સંબંધિત યુવકના પિતા તથા માતા કચ્છ બહારથી આવીને બે દિવસ રોકાયા હતા. અહીંથી વતન બાલાસિનોર ગયા પછી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અહીં રહેતા પુત્ર, પૌત્રવધૂ તેમજ પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સામાન્ય લક્ષણ ન હોવાથી ક્વોરેન્ટાઇન કરાયા હતા તેમજ બિલ્ડિંગને સીલ કરાઇ હતી. આરોગ્ય શાખાની ટીમ, ભુજપુર ઓ.પી.ના એ.એસ.આઇ. હરેશભાઇ ગઢવી, સરપંચ મેઘરાજ ગઢવી, ઉપસરપંચ મહિપતસિંહ જાડેજા, દેવલી પાતારિયા, કાદર ખત્રી વિ. સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહીમાં મદદરૂપ બન્યા હતા. આજે રાપર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના વધુ ચાર કેસ સામે આવતાં વધુ ચિંતા ફેલાઇ હતી. જે જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નીકળ્યા ત્યાં આરોગ્ય તંત્ર તથા પોલીસ દ્વારા જે તે વિસ્તારના આજુબાજુના લોકોને સાબદા અને અલાયદા કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer