કચ્છમાંય કોરોનાની ખાનગી ઓનલાઈન સારવાર

ભુજ, તા. 10 : કચ્છમાં પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન થઈ ઓનલાઈન સારવાર લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે, આ બાબતે ડોક્ટરોમાં મતમતાંતર પ્રવર્તે છે. કેટલાક તબીબોના મતે ઘરે સારવાર લેવાથી હોસ્પિટલ અને સરકાર પરનું ભારણ પણ ઘટે જ્યારે કેટલાક તબીબો દર્દીની તબિયત મુજબ સારવાર પદ્ધતિ પસંદગીની વાત કરતાં હોસ્પિટલમાં દાખલ થવાનું સલાહભર્યું માને છે. કોરોનાના પોઝિટિવ, શંકાસ્પદ કે ક્વોરેન્ટાઈન થયેલા લોકો તબીબોને રૂબરૂ મળવાને બદલે વીડિયો કોલિંગ કે ઓનલાઈન સારવાર લે તેમાં દર્દી અને તબીબ બન્નેની સલામતી પણ રહેલી છે. તેને ધ્યાને લઈને કાયદા દ્વારા આવી રીતે સારવાર આપવાની બાબતને માન્યતા આપી છે. હોસ્પિટલ સ્ટાફ માટે પણ જોખમ ન સર્જાય તેવી આ બાબતે દર્દી અને ડોક્ટર બન્ને પક્ષે રાહત અનુભવાય છે. ચીન, યુરોપમાં માન્યતા પ્રાપ્ત ગ્લેનમાર્કની સેબી ફ્લુ નામની ગોળીઓને કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરવા ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ માન્યતા આપી છે. ભુજના ફિઝિશિયન ડો. વિશાલ દેસાઈને આ અંગે પૂછતાં જણાવ્યું કે, સેબી ફ્લુ ગોળી રૂા. 35થી 40ની એક આવે છે. તબીબની સૂચના મુજબ ગોળી લેવાની સલાહ તેઓ આપે છે. સ્વાઈન ફ્લુ માટેની ફ્લુવીર અને એચઆઈવીની લોપીનાવીર કે રિટોનાવીરના ડેટા સારા આવ્યા છે. આ સારવાર માઈલ્ડ અને મોડરેટ માટે ઉપયોગી બને છે જ્યારે સિવિયર દર્દી માટે ઈન્જેક્શન, રેમડેસીવીર કે ટોસિલિંઝોમેપ આપતાં કોમ્પ્લીકેટેડ દર્દીમાં સારા પ્રતિભાવ જોવા મળ્યા છે. દર્દીની સારવારના આરંભ વિશે ડો. દેસાઈએ કહ્યું કે, કોઈને કોરોના હોવાના લક્ષણ જણાય તો ખાનગી લેબોરેટરીના ક્લેકશન સેન્ટર સેમ્પલ લઈ અમદાવાદ તો કોઈક મુંબઈ મોકલાવે છે. તે દરમ્યાન દવા શરૂ કરી દેવાય, ત્રણ દિવસ પછી પોઝિટિવ રિપોર્ટ આવે ત્યારે દર્દી સાજો થઈ ગયો હોય. કોરોનાને ગંભીર કહી શકાય પણ ગભરાઈ જવાને બદલે લક્ષણો લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક તપાસ કરાવી ટેલિફોનિક, વોટ્સએપ કે વીડિયો કોલિંગ કે ઓનલાઈન દર્દી પોતાની શારીરિક સ્થિતિ જણાવી ડોક્ટરનું માર્ગદર્શન મેળવી હોસ્પિટલમાં દાખલ થયા વિના ઘેર આઈસોલેશન થઈ સાજા થઈ શકે છે. આવી સારવાર પદ્ધતિનો ડોક્ટરોનો ચાર્જ કેટલો થાય છે તે અંગે પૂછતાં જણાવ્યું કે, દર કન્સલટેશનના અમદાવાદમાં રૂા. એક હજાર જ્યારે ભુજમાં 300 રૂપિયા લેવાય છે. દર્દીને સામાન્ય રીતે બે-ત્રણ દિવસ જ ફરિયાદ રહેતી હોય છે. તબીબને દર્દી ફોન પે, પેટીએમ દ્વારા અથવા કંપની આપવાની હોય તો તેની રીતે ચૂકવણું કરાય છે. એમબીબીએસ ડોક્ટર પણ પોતાના લેટરપેડ ઉપર લખી આપે તો તે પ્રિક્રીપ્શન અને આધાર કાર્ડ જમા કરાવી ખાનગી લેબમાં પરીક્ષણ કરાવી શકાય છે. સરકાર રેકોર્ડ રાખે છે. 14 દિવસ ફરજિયાત ઘરેથી બહાર ન નીકળવા જણાવાય છે. નેગેટિવ હોય તો 7 દિવસ, પણ પોઝિટિવ રિપોર્ટ આવે તો પછી સારવાર માટે સરકાર નક્કી કરે તે મુજબ 14 કે 21 દિવસ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવું પડે. કોર્પોરેટ હોસ્પિટલ વીઆઈપી દર્દીના કોરોના ટેસ્ટ જ નથી કરાવતી ? કોરોના સંદર્ભે નવો સીન જોવા મળી રહ્યો છે. વીઆઈપીને કોરોના થાય તો દાખલ કયાં થવું, પૈસાદાર ઉપરાંત જેમનો ખર્ચો કંપની ચૂકવતી હોય તેવા લોકો ખાનગી હોસ્પિટલો પર પસંદગી ઉતારે ખરા પણ કોર્પોરેટ હોસ્પિટલ જગ્યા નથી તેમ કહી દેતી હોય છે. કારણ કે સરકારે રોજના 21 હજાર ખર્ચ પેટે વસૂલી શકવાના કરેલા કેપિંગથી પોષાતું નથી. ડો. પી.એન. આચાર્યને ઘેર બેઠા સારવાર અંગે પૂછતાં તેમણે કહ્યું કે, હજુ સુધી વિજ્ઞાને સંપૂર્ણપણે સાબિત કરી હોય તેવી કોઈ દવા ન હોવાથી આંધળુકિયા ન કરવા જોઈએ. દર્દીને ઘેર બેઠા મોઢેથી આપી શકાય તેવી એન્ટિવાયરલ દવા ઉપરાંત ઉકાળો, ગરમ દૂધ, નાસ અપાય, યોગ, પ્રાણાયામ, ઊંડા શ્વાસ લેવા જોઈએ. લેબોરેટરી, સિટી સ્કેન પરીક્ષણ અને લક્ષણો સાથે તકલીફ દેખાય તો દાખલ કરી સારવાર કરાય. આમ સારવાર કારગત નીવડતાં મૃત્યુદર ઘટયો હોવાનું ઉમેર્યું હતું. ઓનલાઈન કન્સ્લ્ટન્સીમાં પણ પહેલીવાર તો દર્દીને બોલાવવો પડે, દર્દીની ઉમર મોટી હોય, દમ, હૃદયરોગ, ડાયાબિટીસ જેવી તકલીફ હોય, તેમને ઓક્સિજન ઘટી જાય તો તાત્કાલિક દાખલ કરવા પડે એટલે આવા દર્દીને ઘેર રાખવા સલાહભર્યું નથી. ઘરમાં સભ્યોની સંખ્યા, રૂમની એટેચ બાથરૂમ સાથેની સગવડને ધ્યાને લેવી પડે ઉપરાંત ઘરમાં ફાજલ વ્યક્તિ હોય જે પલ્સ ઓક્સિમીટર અને ટેમ્પરેચર ગનથી તપાસ કરે અને વીડિયોકોલ ડોક્ટર સાથે કરી શકવા સક્ષમ હોય તે જોવું પડે. ડો. આનંદ ચૌધરી જણાવે છે કે, કોરોનાના લક્ષણ હોય તો ડે કેર સેન્ટરમાં રાખવા સારા ત્યાં જરૂરી સારવાર તરત ઉપલબ્ધ કરાવી શકાય. રેપિડ એન્ટિજન ટેસ્ટ અંગે સમજાવ્યું કે, તે પોઝિટિવ-નેગેટિવ માટે નથી. પોઝિટિવ આવે તો આરટીપીસીઆર માટે જવું પડે અને નેગેટિવ આવે તો ઓબ્ઝર્વેશનમાં દર્દીને રાખવો પડે. ગાંધીધામના નિષ્ણાત તબીબ ડો. જ્વલિત વી. મોરબિયા જણાવે છે કે તેમના પાસે આવતા હૃદયરોગના દર્દીને કોરોનાના લક્ષણ જણાય તો તેમની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપે છે. અંજારના ડો. પ્રવજ્વલ સોરઠિયા જણાવે છે કે આરંભે વિદેશથી કોરોના આવ્યો ત્યારે 10માંથી 5 દર્દી માટે જીવલેણ નીવડતો. ફેલાતો ફેલાતો પોતાની તીવ્રતા ગુમાવી ચૂક્યો છે. હવે 10માંથી 8 દર્દી સાજા થઇ જાય છે જે બે અન્ય ગંભીર બીમારીના કારણે જીવ ગુમાવે છે. શ્વાસ લેવામાં તકલીફ ન હોય, ટેમ્પરેચર બહુ ન હોય, સામાન્ય શરદી, ઉધરસ હોય તેમના પોઝિટિવ રિપોર્ટ આવતા હોય છે. તેમણે ગભરાઇ ન જતાં ડોક્ટરની સલાહ મુજબ ઘરે સારવાર લે તો માનસિક રીતે પણ ચિંતિત ઓછા હોવાથી જલ્દી સારા થઇ જશે. બીજું હોસ્પિટલોમાં મેન પાવર અને જગ્યા મર્યાદિત હોવાથી ઓછા ગંભીર દર્દીને ઘેર રાખી સારવાર અપાય તો ગંભીર દર્દી માટે હોસ્પિટલમાં જગ્યા મળી રહેશે. ક્યારેક એવુંય બને કે હોસ્પિટલમાં ગંભીર દર્દીના ચેપથી ઓછા ગંભીરને તકલીફ વધી પણ જાય. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે જેમનું ઓક્સિજન એસપીઓટુ 94થી ઓછું હોય તો ઘેર બેઠા સારવાર ન ચાલે હોસ્પિટલમાં દાખલ જ કરવા પડે. પણ ક્રિટિકલ ન હોય, તબિયત સારી હોય તો ઓનલાઈન સારવારમાં વાંધો ન આવે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer