જિલ્લામાં ગંજીપાના અને ધાણીપાસાના માહોલ વચ્ચે 11 દરોડામાં 88 ઝડપાયા

જિલ્લામાં ગંજીપાના અને ધાણીપાસાના માહોલ વચ્ચે 11  દરોડામાં 88 ઝડપાયા
ભુજ/ગાંધીધામ, તા. 9 : તહેવારોના વર્તમાન મહિનામાં સ્વાભાવિક રીતે ઉછાળભરી બનેલી જુગારની પ્રવૃત્તિનો વ્યાપ જિલ્લામાં ચોમેર વિસ્તરેલો જોવા મળી રહ્યો છે. એકબાજુ જુગારના શોખીન તત્ત્વો તેમની ધાણીપાસા અને ગંજીપાનાની પ્રવૃત્તિમાં રત રહ્યા છે, તો બીજીબાજુ કાયદાના રક્ષકોએ પણ દરોડાનો દૌર જારી રાખતાં આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં વિવિધ 11 સ્થળે દરોડા પાડી 88 આરોપીને ઝડપી પાડી તેમને કાયદાનો પરચો આપ્યો હતો. વાઘુરામાં 19ની ધરપકડ - પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ મુંદરા વિસ્તારમાં અન્ય એક દરોડો વાઘુરા ગામે પાડયો હતો, જેમાં ક્ષેત્રપાળ દાદાના મંદિરની સામે રાધાકૃષ્ણ એગ્રો સેન્ટર નામની દુકાનના આગળના ભાગે ખુલ્લી ઓસરીમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા 19 ખેલીને રૂા. 59070 રોકડા અને 14 મોબાઇલ ફોન અને બે મોટર સાઇકલ મળી કુલ રૂા. 1,18,580ની માલમતા સાથે પકડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસદળે જારી કરેલી યાદી મુજબ પકડાયેલા તહોમતદારોમાં ફાચરિયાના પચાણ રામજી આહીર, વાઘુરાના રાજેશ કરસન હેઠવાડિયા, લિમ અદ્રેમાન ખલિફા, દેવા વાલા જરૂ (આહીર), સવા રામા ગોયલ (આહીર), દેવા મેમા આહીર, નારાણ કાનજી આહીર, હરેશ દેવાયત જરૂ (આહીર), ભલોટ (અંજાર)ના શિવજી ગાંગા મહેશ્વરી, વાઘુરાના મહાદેવા લખુ હેઠવાડિયા (આહીર), દેવાયત ધના જરૂ (આહીર), દિનેશ અરજણ આહીર, લખુ ભીમા ગોયલ (આહીર), સામત જેસંગ જરૂ (આહીર), મજાભાઇ આહીર, કાનજી રામા આહીર, રામા દેવા ચાવડા, વાલા જેસંગ આહીર અને રઘુ કાના હેઠવાડિયા (આહીર)નો સમાવેશ થાય છે.- ઝરપરામાં પણ છ પકડાયા  : મુંદરા પોલીસે ઝરપરા ગામે પાડેલા અન્ય એક દરોડામાં છ શખ્સને ગામના મહેશ્વરી વાસમાંથી ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર પકડી પડાયા હતા. ઝરપરા ગામના વિશ્રામ મેઘરાજ દનિચા, વિજય રમેશ ગરવા, ખીમજી નારાણ પિંગોલ, પચાણ વિશ્રામ પિંગોલ, કરમણ જીવરાજ દનિચા અને ભરત હીરજી પિંગોલને આ કિસ્સામાં રૂા. 16400 રોકડા તથા ચાર મોબાઇલ ફોન અને એક બાઇક મળી કુલ રૂા. 67400ની માલમતા કબ્જે કરાઇ હતી તેમ પોલીસે ઉમેર્યું હતું. - કપાયામાં જિલ્લા સ્તરેથી દરોડો  : મુંદરા પોલીસ મથકની હદના નાના કપાયા ગામે નારાયણનગર વિસ્તારમાં પોલીસદળની જિલ્લા સ્થાનિક ગુનાશોધક શાખાએ ગત મોડી રાત્રે દરોડો પાડી મૂળ પરપ્રાંતના વતની એવા પાંચ આરોપીને ગંજીપાના વડે જુગાર રમતા રૂા. 35,600ની માલમતા સાથે પકડી પાડયા હતા. પોલીસ સાધનોએ આ વિશે આપેલી જાણકારી મુજબ પકડાયેલા આરોપીમાં નાના કપાયાના સૂરજ અશોક શાહુ, બપી અબબિન્દુ બીસવાસ, કુલદીપાસિંગ જેમલાસિંગ, જિતેન્દ્રકુમાર સીતારામ અને રોહિત છોટેલાલ નાયકનો સમાવેશ થાય છે. પોલીસે રૂા. 20,100 રોકડા અને રૂા. 15,400ના ચાર મોબાઇલ ફોન કબ્જે કરી ગુનો દાખલ કર્યો હતો.- દયાપર પોલીસે બાર દબોચ્યા : બીજી બાજુ દયાપર પોલીસે લખપત તાલુકાના સિયોત ગામે દરોડો પાડીને ધાણીપાસા વડે જુગાર રમી રહેલા બાર ખેલીને રૂા. 33,400 રોકડા અને રૂા. 21,500ની કિંમતના નવ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 54,900ની માલમતા સાથે ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ જેમની ધરપકડ કરાઇ છે તે તહોમતદારોમાં સિયોતના દેવજી તેજા પારાધી, ઘડુલીના મંગલ મીઠુ જાગરિયા, અટડાના ભીખા કાંયા બલિયા, ખીમજી કાંયા બલિયા અને પ્રાગજી ગગુજી સોઢા, પુનરાજપરના ગાવિંદ સવા ખંભુ, મુધાનના ભીમજી ગાંગજી પવાર, ફુલરાના શામજી ભીમા બલિયા, દયાપરના ધનજી માયા સોલંકી, સિયોતના શિવજી આશા ગરવા, અટડાના શામજી ધનજી બલિયા અને નારાણ ખજૂરિયા ગોરડિયાનો સમાવેશ થાય છે. - મુંદરામાં આઠ ખેલી થયા અંદર : દરમ્યાન મુંદરા પોલીસે મુંદરાના જૂના બંદર રોડ સ્થિત મફતનગર ખાતે નવા બની રહેલા અતિથિગૃહની પછવાડે ખુલ્લામાં પાડેલા દરોડામાં આઠ સ્ત્રી-પુરુષ ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી રૂા. 10,200 રોકડા અને રૂા. 10,500ના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 20,700ની માલમતા કબ્જે કરાઇ હતી. પોલીસે આ વિશે આપેલી વિગતો મુજબ પકડાયેલા આરોપીઓમાં મુંદરાના ઝુલ્ફીકાર અભુભખર પઢિયાર, જશોદાધામ નાની ચીરઇના દિલીપ બચુ વાઘેલા, મોટી ખાખરના રામજી લાભુ ઝાલા, મુંદરાના સૂરજબા નારૂભા રાઠોડ, રીનાબેન નારૂભા રાઠોડ, શારદાબેન સંજય વાઘેલા, મૂળ માણાવદરના હાલે મુંદરા રહેતા પુષ્પાબેન મગનભાઇ કણસાગરા અને મુંદરાના બીનાબેન રાહુલ ચૌહાણનો સમાવેશ થાય છે.  ભોજાયમાં પાંચની ધરપકડ : માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથકે ભોજાય ગામે ભોજનશાળા પાસે ગત મોડી રાત્રે પાડેલા દરોડામાં પાંચ ખેલી તીનપત્તી રમતા રૂા. 2,400 રોકડા અને રૂા. આઠ હજારના ચાર મોબાઇલ ફોન સહિત રૂા. 10,400ની માલમતા સાથે ઝડપાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીમાં હાલે રાણાવાવ સૌરાષ્ટ્રમાં રહેતા પાલુ વાલા ગઢવી, ભોજાયના પુનશી ડાયા ગઢવી, ગુંદિયાળીના મયૂર ભગવાનજી વ્યાસ તથા ભોજાય ગામના દેવા વાલા ગઢવી અને નારાણ વાલા ગઢવીનો સમાવેશ થાય છે. બીજી બાજુ પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેના પાંચ જુદા જુદા દરોડા પાડયા હતા. આ દરોડા દરમ્યાન 33 ખેલીઓને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ  રૂા. 84,260 જપ્ત કરાયા તેમજ રોકડ? રકમ, મોબાઇલ અને બાઇક એમ કુલ રૂા. 2,14,760નો મુદ્દામાલ આ પાંચ દરોડા દરમ્યાન હસ્તગત કરવામાં આવ્યો હતો.- ગાંધીધામમાં જુગારની ક્લબ ઝડપાઇ : ગાંધીધામમાં મામલતદાર કચેરી નજીક વોર્ડ-12 બીમાં સતગુરુ દયાળ બિલ્ડિંગમાં આવેલા કેન્ટબિલ શોરૂમની ઉપર પ્રથમ માળે આવેલી ડો. જે. એચ. ચાવડાની બાજુની ઓફિસમાં પોલીસે છાપો માર્યો હતો. શૈલેશપુરી ડુંગરપુરી ગોસ્વામી નામનો શખ્સ આ ઓફિસમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેમને જુગાર રમાડતો હતો. દરમ્યાન પોલીસ ત્રાટકી હતી અને આ શૈલેશપુરી ડુંગરપુરી ગોસ્વામી, હિંમતગર મોહનગર ગોસ્વામી, હર્ષદ બાબુ પટેલ, પ્રવીણ નરશી પ્રજાપતિ, પ્રકાશ બચુ ગોસ્વામી, દિલીપ જસવંત પટેલ,  જિજ્ઞેશ સંપતલાલ પટેલ, મયૂર ધીરુભાઇ, મહેશ પુંજા પ્રજાપતિ નામના શખ્સોની ધરપકડ કરી હતી.જુગારની ક્લબ દરમ્યાન પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 40,890, નવ મોબાઇલ અને પાંચ વાહનો એમ કુલ રૂા. 2,26,890નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.- શિણાયમાં આઠ ખેલીઓની ધરપકડ : શિણાય ગામના વથાણ ચોકમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. મોડી રાત્રે પડાયેલા આ દરોડા દરમ્યાન કાનજી ભીમજી સોરઠિયા, દિલીપ ધનજી વાઘમશી, જગદીશ અરજણ હડિયા, રમેશ ખીમજી હડિયા, ચેતન કાંતિલાલ હડિયા, ભરત છગન સોરઠિયા, નરશી જયરામ હડિયા અને ગોપાલ છગન વાઘમશીની પોલીસે ધરપકડ કરી હતી. પત્તા ટીંચતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 26,210 તથા 6 મોબાઇલ એમ કુલ રૂા. 47,710નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.- રાપરના ઘાણીથરમાં એલ.સી.બી. ત્રાટકી : ઘાણીથરની કાંકર સીમમાં દામા થોભણ ઓસવાળનું ખેતર મોમાયા ટપુ કોળી વાવે છે. આ ખેતરના શેઢા ઉપર બાવળની નીચે બેટરીના અજવાળે અમુક શખ્સો જુગાર રમતા હતા. ત્યારે પોલીસ ત્રાટકી હતી અને અરવિંદ ટપુ અખિયાણી (કોળી), બચુ મોમાયા અખિયાણી (કોળી), જગદીશ કાનજી સુરાણી (કોળી), ફતેહસિંહ મોહનસિંહ જાડેજા, મુકેશસિંહ મંગુભા જાડેજા, રામદેવસિંહ મોહનસિંહ જાડેજા,  હરપાલસિંહ ગંભીરસિંહ જાડેજા, મોમાયા ટપુ અખિયાણી (કોળી), જીતુભા સુખુભા જાડેજા, સાહેબજી સુખુભા જાડેજા, કેશુભા સબુભા જાડેજા અને ગોપાલ અમરશી સુરાણી (કોળી) નામના શખ્સોને દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 25,300 તથા 10 મોબાઇલ એમ કુલ રૂા. 58,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.- ગાંધીધામ વાવાઝોડામાંથી પાંચ પકડાયા : ગાંધીધામના વાવાઝોડા છાપરા વિસ્તારમાં રાત્રે પોલીસ ત્રાટકી હતી અને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ધનજી કાનજી મહેશ્વરી, ઉમેશ ચેતન માતંગ, મૂળજી શિવજી મહેશ્વરી, નારાણ વેલજી મતિયા અને વિજયકુમાર ખેતશી બુચિયાની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 19,500 તથા બે મોબાઇલ એમ કુલ રૂા. 25,000નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.- કિડાણામાં પાંચ શખ્સોની ધરપકડ : કિડાણાની ભકિતનગર સોસાયટી રામાપીરના મંદિરની બાજુમાં બાવળની ઝાડીમાં અમુક  શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને પત્તા ટીંચતા હાજી જુસબ પઠાણ, હનીફ અબ્દુલ મમણ, દીક્ષિતકુમાર વિઠલ શ્રીમાળી, નામેરી રવા મૂછડિયા, સાહિલ કાસમ કકલની અટક કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,350 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 35,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. - ગાંધીધામના ગણેશનગરમાંથી ત્રણની અટક : ગાંધીધામના ગણેશનગરમાં રિક્ષા સ્ટેન્ડ પાછળ ઓટલા ઉપર ખુલ્લામાં જુગાર રમતા કાનજી દેવજી દુઆ, હીરા લખુ ચારણ અને રવિ સામત મહેશ્વરીની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 2900 તથા એક મોબાઇલ, એક બાઇક એમ કુલ રૂા. 47,900નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer