કોરોનાના વધુ 25 પોઝિટિવ કેસ : 13 સાજા થયા

કોરોનાના વધુ 25 પોઝિટિવ કેસ : 13 સાજા થયા
ભુજ, તા. 9 : જિલ્લામાં કોરોનાના કેસની આગેકૂચ જારી રહી હોય તેમ આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાવા સાથે કુલ નોંધાયેલા કેસનો આંકડો 731 પર પહોંચ્યો છે. તો ઓગસ્ટ માસના નવ દિવસમાં નોંધાયેલા કેસનો આંક 201 પર પહોંચ્યો છે.આજે સૌથી વધુ 9 કેસ ગાંધીધામમાં નોંધાયા છે. આદિપુરનું એક દંપતી ખાનગી કંપનીમાં ફરજ બાજવતા કર્મચારીથી સંક્રમિત થયાની શંકાના આધારે તેમનો પણ રિપોર્ટ લેવામાં આવશે. અંજાર શહેરમાં વધુ 3 કેસ અને તાલુકામાં બે કેસ નોંધાયા છે. અંજાર શહેરના પોઝિટિવ કેસનો આંક હવે 97 પર પહોંચ્યો છે. ભુજમાં અગાઉ પોઝિટિવ આવેલા દર્દીના પરિવારના અન્ય ત્રણ લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ મારફત કરાવાયેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત માધાપરમાં વધુ એક કેસ નોંધાયો હતો. ભચાઉ શહેર, આધોઇ, નંદગામ ઉપરાંત રાપરના ફતેહગઢમાં પણ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંદરા-બારોઇ રોડ પર આજે કોરોના પોઝિટિવ 3 કેસ આવતાં ફફડાટ ફેલાયો હતો. વિજય પાર્કમાં બે કેસ અને રામદેવનગરમાં એક કેસ નોંધાયો હતો. વિજય પાર્કમાં 17 મકાન, રામદેવનગરમાં 12, ફલેટ 16, સંખ્યાને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. આ સર્વેની કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગિરિવર બારિયા, મેડિકલ ઓફિસર ડો. રિતુ પરમાર, ડો. પૂજા કોટડિયા, ડો. સંજય યોગી, ડો. કાવેરી ત્રિવેદી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઇ જાટિયા તથા બારોઇ જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચભોજરાજભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના જોડાયા હતા. સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 221 છે. 33નાં મોત સાથે 474 દર્દીઓ સાજા થઇ પરત ઘરે આવી ગયા છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer