કંડલાની ખાનગી કંપનીનો ટાંકો ઓવરફ્લો: ખાદ્યતેલ રેડાયું

કંડલાની ખાનગી કંપનીનો ટાંકો ઓવરફ્લો: ખાદ્યતેલ રેડાયું
ગાંધીધામ, તા. 9 : કંડલામાં આવેલા તેલ સંગ્રહ કરવાની એક ખાનગી કંપનીના ટાંકામાંથી ઓવરફ્લો થતું ખાદ્યતેલ (એડિબલ ઓઇલ) બહાર આવતું દેખાયું હતું. આ બનાવનો વીડિયો  સોશિયલ મીડિયામાં  પણ?વાયરલ થયો હતો. અમુક કંપનીની આવી બેદરકારીના કારણે કંડલા સંકુલમાં  વિશાખાપટ્ટનમ કે બૈરુત જેવો બનાવ બનવાની સંભાવના જાણકાર લોકોએ વ્યકત કરી હતી. કંડલામાં ખાદ્ય, અખાદ્યતેલ, અનેક જીવલેણ કેમિકલ સંગ્રહ કરવાના સરકારી અને ખાનગી સ્ટોરેજ ટેન્ક આવેલા છે. અગાઉ પણ આવા ટાંકાઓમાંથી કેમિકલ લીક થતાં આસપાસના લોકોમાં આંખોમાં બળતરા, ચામડી ઉપર ચાંઠા પડવા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે  બનાવો બની ચૂક્યા છે. તો ખાનગી ટેન્ક ફાર્મના સંચાલકો કેમિકલ છોડતા હોય છે તે ઝૂંપડાંઓની આસપાસ એકત્ર થઇ જતું હોય છે, જેના કારણે અનેક વખત પાણીનો રંગ પણ બદલાઇ જતો હોય છે. આવી બેદરકારી છતાં સરકારી તંત્રો આંખ આડા કાન કરતા હોય છે. થોડા દિવસો અગાઉ ઓઇલ જેટી નંબર 4થી જતી એક ખાનગી કંપનીની પાઇપલાઇન ઉપર કામ ચાલુ હતું. આ લાઇનમાં કોઇ ગરમ કેમિકલ પસાર થઇ?રહ્યું હતું, ત્યારે  જેસીબી કે મશીન લાઇનમાં  અડી જતાં તેમાં કાણું પડી ગયું હતું અને ગરમ કેમિકલનો 50થી 60 ફૂટ ઊંચો ફૂંવારો ઉડયો હતો. આ વેળાએ કામ કરતા મજૂરોના જીવ પડીકે બંધાયા હતા. આવા તો અનેક બનાવો કંડલામાં બનતા હોવાનું અંતરંગ સૂત્રોએ કહ્યું હતું. પરંતુ સરકારી તંત્રો `સબ સલામત હૈ'નું પાટિયું મારીને ચલાવી લેતાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. આજે સોશિયલ મીડિયામાં  આવેલા એક વીડિયોમાં એક ખાનગી કંપની એવી ઇમ્પિરિયસ ઇન્ફ્રાલોજિસ્ટિકનો ટાંકો ઓવરફ્લો થતો હોવાનું જણાય છે, જેમાંથી ખાદ્યતેલ (એડિબલ ઓઇલ) બહાર આવતું હોવાનું અને નીચે તળાવ ભરાતું હોવાનું જણાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આવા ટાંકાઓ ઉપર ઓટોમેટિક ગેઇજ રાખવું જોઇએ જેથી એક ટાંકામાંથી બીજા ટાંકામાં કે શિપમાંથી આવતું ઓઇલ કે કેમિકલ કેટલું આવ્યું અને ટાંકો કેટલો ભરાયો તેનો અંદાજ આવી શકે, પરંતુ આ ખાનગી કંપનીમાં આવી વ્યવસ્થા સંભવત: ન હોવાને કારણે ઓવરફ્લો  થયો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ જાણકારોએ કહ્યું હતું કે, ટાંકામાં સંગ્રહ કરાયેલા આવા પ્રકારના ખાદ્યતેલ બિલકુલ શુદ્ધ અને ખાવાલાયક હોતા નથી. કંપનીમાંથી પ્રોસેસ?થયા બાદ તે ખાવાલાયક બનતા હોય છે. ટાંકાઓમાં  રહેલા આવા ઓઇલમાં અનેક વખત સલ્ફર વગેરેનું પ્રમાણ?રહેતું હોય છે, જે વ્યકિતને સીધી અસર નથી કરતા પણ જમીનમાં ભળીને તે પાતાળના પાણી ખરાબ કરે છે અથવા દરિયામાં જાય તો દરિયાઇ જીવોને અસર જરૂરથી પહોંચાડતા હોય છે. આવા તેલ કુદરતી વાતાવરણ માટે ખરાબ હોવાનું જણાવાયું હતું. આ અંગે ડીપીટીના ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, લોકોને નુકસાનકર્તા નથી, પરંતુ કંપનીને આર્થિક નુકસાન કહી શકાય તેમ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer