આજથી ઘેરબેઠા જ સાતમ-આઠમ પર્વ ઊજવાશે

આજથી ઘેરબેઠા જ સાતમ-આઠમ પર્વ ઊજવાશે
ભુજ, તા. 9 : સનાતન ધર્મના મોટા તહેવારોમાં સ્થાન પામતા શીતળા સાતમ અને જન્માષ્ટમી પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગતાં શ્રાવણના સપરમા દિવસોએ માત્ર સંભારણાઓથી કામ ચલાવાશે. રાજ્ય સરકારે ધાર્મિક ઉજવણીઓ અને મેળા-મલાખડા પર વધતા સંક્રમણને પગલે પ્રતિબંધ લાદ્યો છે પણ ઉત્સવ-ઉજવણીની પરંપરાની ચર્ચા કરવાની છૂટ છે અને એ થશે પણ... કચ્છભરમાં સાતમ-આઠમના મેળાની સૌરાષ્ટ્ર જેવી જ આગવી પરંપરા છે. રાંધણ છઠ્ઠના રંધાયેલા પકવાન સાતમ-આઠમ (જો આઠમનો ઉપવાસ હોય તો કૃષ્ણજન્મ પછી અર્થાત રાત્રે 12 વાગ્યા પછી `પડ'માં જ)ના આરોગવાની આગવી પરંપરાવાળા  આ મુલકમાં આહીર સમાજ દ્વારા `ગાર-માટીનો કાનુડો' એક વિશિષ્ટ ઉજવણી છે. લગ્ન બાદ લાંબા સમય સુધી જેમના ઘેર પારણું ન બંધાયું હોય તેવા પરિવારની પુત્રવધૂઓ આ કાનુડાના યજમાન થાય અને ગામના તળાવેથી માટી લાવી, કાનુડો રચી, સોળ શણગાર સાથે તેની ભવ્ય ઉજવણી થાય, રાસ રમાય અને છેલ્લે એ જ તળાવમાં એ કાનુડાનું વિસર્જન થાય... આ વર્ષે આવા ગાર-માટીના કાનુડાની સ્થાપના સામૂહિક રીતે નહીં થાય અને તેથી જ તેની ચર્ચા આખે આખી આહીરપટ્ટીમાં જ નહીં પણ કચ્છ અને મુંબઈ સુધી થશે. કારણ કે રતનાલ-નિંગાળ-લોડાઈ જેવા ગામોમાં ગોકુળ આઠમનો આહીરરાસ કેમેરામાં કેદ કરાય છે, ખડીર-પ્રાંથળમાં પણ આહીર સમાજ આવી ઉજવણી કરે છે. કચ્છમાં સભંવત: વ્યક્તિગત કોઈ કરે પણ સામૂહિક રીતે આ વખતે સોનાના આભૂષણોથી લદાયેલો ગાર-માટીનો કાન દર્શન નહીં આપે. આહીર સમાજની જેમ સિંધ પાકિસ્તાનથી આવેલા અને નખત્રાણા તાલુકામાં સ્થાયી થયેલા સોઢા પરિવારોનો કાનુડો પણ ગાર-માટીમાંથી સર્જાય છે પણ એ કોટ પહેરે છે અને એની સાક્ષીએ જે તલવાર સહિતના રાસ થાય છે તે પણ એકદમ અદ્ભુત હોય છે. સોઢા વસાહતો જ્યાં છે એ ગામડાંઓ સુધી પોલીસ પહોંચતી નથી તેથી શક્ય છે કે ત્યાં કાનુડો પ્રગટે પણ જો સંક્રમણ પ્રત્યે જાગૃતિ હશે તો ત્યાં પણ આ વખતે માત્ર કાનુડાના ગીતો જ ગવાશે. શહેરોમાં મેળાના માણીગરો મુંઝાશે, નવાવત્રો પહેરાશે પણ બહાર નહીં નિકળાય, પસંદગીનાં પર્યાય શોધવા પડે તેવો કપરો કાળ ઉતરી આવતા આ રજા દરમ્યાન તેની ચર્ચા થશે. ભુજમાં હમીરસર કાંઠે સાતમ-આઠમની પરંપરાગત ઉજવણી મહાદેવ નાકાથી ખેંગાર પાર્ક સુધી ભરાતા મેળા રૂપે થાય છે જે આ વર્ષે નહીં યોજાય પણ પારિવારિક ધોરણે પોતપોતાના ઘરોમાં `શ્રાવણ'ની ઉજવણી અનેક જણ નાની-મોટી હાર-જીત સાથે કરી જ રહ્યા છે. શ્રાવણની મહાદેવની આરાધના અને કૃષ્ણજન્મ જેવા પાવન પર્વ ટાણે શકુની શિષ્યો શા માટે વધી જતા હશે કે જુગાર કેમ રમાતો હશે એ એક અલગ ચર્ચાનો વિષય છે. આ જ રીતે કચ્છભરના કૃષ્ણ મંદિરો વિશે ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર ભુજ અને ગામડાંઓમાં આવેલા મંદિરોમાં કૃષ્ણજન્મ-મટકીફોડ-રાસ જેવા કાર્યક્રમોની ખોટ આ વખતે ખાસ્સી એવી સાલશે. કૃષ્ણજન્મના તો ઈતિહાસમાં આવી જન્માષ્ટમી આવી નહીં હોય જેવી આ કોરોનાના કારણે આવી છે. શીતળા સાતમ અને તેરસ બંનેની ઉજવણી પર રોક આ વખતે આવી ગઈ છે અને પ્રતિબંધની સીધી અસર મેળામાં નાની-મોટી ચીજવસ્તુ-મનોરંજનના સાધનો કે રમકડાં કે ખાદ્યપદાર્થો વેચીને બે પૈસા કમાતા વર્ગ પર પડી છે. કારણ કે ક્યાંયે મેળો થવાનો નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer