રાષ્ટ્રસેવામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભુજપુરના જવાનનું સન્માન

રાષ્ટ્રસેવામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભુજપુરના જવાનનું સન્માન
ભુજપુર (તા. મુંદરા), તા. 9 : 17 વર્ષ આર્મીમાં ફરજ બજાવીને સેવા નિવૃત્ત થયેલા અહીંના ફોજી યુવાન જિતેન જયંતીલાલ દરજી (પરમાર) પરત આવતાં ગામના અગ્રણીઓ તેમજ પરિવારજનોએ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહીને  સન્માન કર્યું હતું. સરપંચ મેઘરાજ ગઢવીએ 17 વર્ષ સુધી દેશસેવામાં જોડાઇને યશસ્વી કામગીરી બદલ પીઠ થાબડીને સન્માન કર્યું હતું. જિ. ભાજપ કિ.મો.ના પ્રમુખ મહેન્દ્રભાઇ ગઢવીએ સેનામાં જોડાઇને પરિવાર તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઘનશ્યામભાઇ કંદોઇ, ડો. કનૈયાલાલ રાસ્તે, મગનભાઇ દેઢિયા, બુધુભા પ્રાગજી, જેઠાલાલ ભેદા, જિતેનના માતા અરુણાબેન, અમૃતલાલ દરજી, નટુભાઇ દરજીએ રાષ્ટ્રસેવામાં ફરજ બદલ પ્રશંસા કરી હતી. મ.ક.સ.સુ. જ્ઞાતિના યુવાન જિતેનને નાનપણથી જ સેનામાં જોડાવાની ઇચ્છા હતી. 2000ના વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવી જેના કારણે પરિવારની જવાબદારીમાં વધારો થયો. 2003માં માતા અરુણાબેન અને 2 બહેનો રીનાબેન અને ગાયત્રીબેને જિતેનને આર્મીમાં જોડાવાની સહમતી આપી અને આ વાત પરિવારના મોવડી મોટાબાપા અમૃતલાલ પ્રાગજી, નટવરલાલ પ્રાગજી પાસે થઇ. બંને વડીલો  પણ વાતમાં સૂર પુરાવી આર્મીમાં જોડાવા સહમત થયા હતા. આર્મીમાં ફરજ દરમ્યાન યાદગાર પ્રસંગ  વર્ણવતાં તેમણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ (આર.આર.)માં સામેલ થયા પછી 2 વર્ષ સુધી આતંકવાદીઓની શોધખોળમાં જોડાઇને મોટી સફળતા હાંસલ થઇ શકી તેનો આનંદ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer