માંડવીની સબરજિસ્ટ્રાર કચેરીમાં સરકારી માર્ગદર્શિકાનો ભંગ ?

માંડવીની સબરજિસ્ટ્રાર કચેરીમાં સરકારી માર્ગદર્શિકાનો ભંગ ?
માંડવી, તા. 9 : એક સમયે કોરોના સામે સુરક્ષિત ગણાતું કચ્છ હવે ડેન્જર ઝોન તરફ જઈ રહ્યું છે. રોજેરોજ કોરોના પોઝિટિવનો આંકડો ડરાવનારો અને રોકેટ ગતિએ વધી ચિંતાજનકપૂર્વક આગળ વધી રહ્યો છે. ત્યારે માંડવીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી સમયે સરકાર દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે આપવામાં આવેલી સરકારી ગાઈડલાઈન મુજબની સૂચનાઓ અને નિયમોનો અમલ થઈ રહ્યો નથી. જે બાબત અત્યંત ગંભીર હોવાથી કોરોનાની રોકથામ માટે થઈ રહેલી ચૂક દૂર કરવા સરકારી તંત્રનું ધ્યાન યુવક ક્રાંતિ દળે દોર્યું છે. યુવક ક્રાંતિ દળના કૌશિક વાસાણીએ જણાવ્યું કે, દસ્તાવેજની નોંધણી સમયે તેમજ સર્ચ રિપોર્ટ, ખરી નકલો, ઈન્ડેક્ષ માટે વ્યાપક પ્રમાણમાં માંડવીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો અલગ અલગ જગ્યાએથી એકત્રિત થાય છે. દસ્તાવેજની નોંધણી   કોમ્પ્યુટરાઈઝ્ડ રીતે થતી હોઈ નોંધણી સમયે પક્ષકારોના થમ્બ મશીન મારફતે લેવાના હોય છે, તે થમ્બ મશીનને દરેક થમ્બ લેતાં પૂર્વે સેનિટાઈઝ કરવાની સ્પષ્ટ સૂચના હોવા છતાં તેનો અમલ થઈ રહ્યો નથી. કચેરીમાં પક્ષકારોનો થમ્બ લીધા બાદ સેનિટાઈઝરનો યુઝ કરવામાં આવતો નથી કે સેનિટાઈઝ કરવા માટેની કોઈ વ્યવસ્થા રાખવામાં આવેલ નથી કે તે બાબતે ગંભીર પણ નથી. જે દર્શાવે છે કે સત્તાવાળાઓ કોરોનાની રોકથામ માટે સરકારી સૂચનાઓ, ગાઈડલાઈનને ઘોળીને પી ગયા છે. આ ઉપરાંત કોરોનાના ફેલાવા માટે ઠંડું વાતાવરણ વધુ અનુકૂળ હોતાં સરકાર દ્વારા કચેરીઓમાંથી એરકન્ડિશન (એઁ.સી.) દૂર કરવા માટે પણ જે-તે વખતે સૂચનો આપવામાં આવેલ, પરંતુ આ કચેરીમાં એ.સી. ચાલુ રખાય છે. માંડવી સબ રજિસ્ટ્રાર કચેરી ક્યાંક અલગ અલગ તાલુકાઓ, રાજ્યોમાંથી આવતા લોકો મારફતે કોરોના ફેલાવવા માટેનું કેન્દ્ર બની રહેશે તેવી ભીતિ સાથે કચ્છ કલેક્ટર જિલ્લા નોંધણી નિરીક્ષક પગલાં ભરે તેવી માંગ શ્રી વાસાણીએ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer