ભુજ-ધરમશાલાના કરોડોના ખર્ચે ચાલતા ચારમાર્ગીય કામના બે પુલિયા બેસી ગયા!

ભુજ-ધરમશાલાના કરોડોના ખર્ચે ચાલતા ચારમાર્ગીય કામના બે પુલિયા બેસી ગયા!
સુમરાપોર (પચ્છમ), તા. 9 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના ગામડાઓ તેમજ બોર્ડરને જોડતાં મહત્ત્વાકાંક્ષી માર્ગને રાષ્ટ્રીય માર્ગ બનાવી મુખ્ય હાઈ-વે વરસાણા વાયા ભુજથી ધરમશાલા રોડનું કરોડોના ખર્ચે ચારમાર્ગીય કામ હાલ કાર્યરત છે. અતિ મહત્ત્વના આ કામમાં કોટડા (ખા.) પાસે બે પુલિયા હાલમાં જ વરસાદમાં ગાબડાંરૂપે ડામર સહિત બેસી જતાં આ કામની ગુણવત્તા નબળી હોવાની પોલ ખૂલી જતાં અનેક સવાલો સર્જાયા છે. આ કામની ગુણવત્તા બાબતે પહેલા પણ લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. પણ કદાચ તંત્ર દ્વારા નજરઅંદાજ કરાયો હોય જેનાથી પહેલા જ વરસાદમાં આ અતિ મહત્ત્વના બોર્ડરને જોડતા માર્ગની આ હાલત થઈ છે. આ માર્ગ લોકાપર્ણરૂપે ખુલ્લો મુકાયો નથી તે પહેલાં નબળાં કામની પોલ ખૂલતાં તર્ક-વિતર્કો સર્જાયા છે. જો સામાન્ય અને પ્રથમ  રાઉન્ડના ધીમીધારે વરસાદમાં જો આવી પુલિયાની હાલત થાય તો ધોધમાર વરસાદમાં આ માર્ગની શું હાલત થશે એવી લોકોમાં ચર્ચા જાગી છે. સરકાર દ્વારા આવા મહત્ત્વના માર્ગો માટે સારી સુવિધા અને રિનોવેશન માટે લાખો-કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે, છતાં પણ વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ  માર્ગની આવી હાલત થતી હોય તો ગુણવત્તાની લોકો શું અપેક્ષા રાખી શકે એવું સ્થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer