માંડવીના પાદરમાં અધૂરા છોડી દેવાયેલા કાચા રસ્તામાં વરસાદ થકી મુશ્કેલીઓનું ઘોડાપૂર

માંડવીના પાદરમાં અધૂરા છોડી દેવાયેલા કાચા રસ્તામાં વરસાદ થકી મુશ્કેલીઓનું ઘોડાપૂર
માંડવી, તા. 9 : શહેરના પાદરે વી.આર.ટી.આઇ. ત્રિભેટેથી નાગલપર ગામને જોડતા રસ્તા સાથેના ઢીંઢ લિન્ક રોડનો કાચો ટુકડો વરસાદી પાણીના મારણથકી બિસમાર થતાં વેળાસર સોએક મીટર લંબાઇવાળો માર્ગ ડામર વડે બારમાસી બનાવવાની માંગ ઊઠી છે. આ જોડિયા રસ્તાનો નાનકડો ભાગ અકળ કારણોસર છોડી દેવાતાં સત્વરે આનુષંગિક કામમાં સમાવિષ્ટ કરવાની વિનંતી કરાઇ છે. ઢીંઢ ગામના અગ્રણી અને અખિલ કચ્છ સુમરા જમાતના ઉપપ્રમુખ રઝાકભાઇ મીઠુ રાયમાની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે આપેલી વિગતો પ્રમાણે રાજ્ય ધોરીમાર્ગથી નાગલપર ગામને જોડતા રોડ સાથે  ઢીંઢ ગામનો લિન્ક રોડ જોડાય છે. આ એકાદ કિલોમીટર લંબાઇવાળો રસ્તો મહદઅંશે બારમાસી બતાવાયો છે. સાતેકસો મીટર પાકો રસ્તો નસીબ થયો પરંતુ અકળ રીતે સોએક મીટર લાંબો ટુકડો અછૂતો રહી જવાથી ચોમાસામાં પાણી ભરાતાં ગારો, કીચડ દ્વિચક્રી વાહનો માટે પડકાર રૂપ બનતો રહ્યો છે. આ સંદર્ભે આર. એન્ડ બી. વિભાગમાં સરપંચ કુલસુમબેન અનવર સુમરા દ્વારા દાદ મળવા રજૂઆત કરાઇ હતી. તાજેતરમાં આ તાલુકામાં ભારે વરસાદને પરિણામે દિવસો સુધી યાતાયાતમાં પારાવાર મુશ્કેલીઓ અનુભવાતાં તંત્રને વહારે આવવાની `ધા' નખાઇ હતી. આ બાબતે વિસ્તારના તાલુકા પંચાયત પ્રતિનિધિ અને તા.પં.ના ઉપાધ્યક્ષ રાણશીભાઇ ગઢવીએ હકારાત્મક પરિણામની ધરપત આપી હતી. પોણો કિ.મી. જેટલો સદર ટુકડો મુખ્ય રસ્તા અને દરગાહ પાસેથી ગામને જોડતો હોવાથી મજબૂતાઇ સાથે બારમાસી રોડ અતિ આવશ્યક મનાયો હોવાની લાગણી વ્યક્ત કરાઇ હતી. આસિફ અદ્રેમાન સુમરા, સુમરા ઇકબાલ ઓસમાણ, અલ્તાફ જુસબ સુમરા, હમીદ હુસેન સુમરા, સતાર આદમ સુમરા, બાબુભાઇ સુમરા વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer