પર્યાવરણ પ્રદૂષણને અટકાવે છે

પર્યાવરણ પ્રદૂષણને અટકાવે છે
નલિયા (તા. અબડાસા), તા. 9 : અબડાસા તાલુકાના રામપર (અબડા) ખાતે રાજ્યના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના પ્રમુખસ્થાને  71મો જિલ્લા વન મહોત્સવ યોજાયો હતો, જેમાં 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું. મંત્રીએ વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવી ઉમેર્યું હતું કે, પ્રદૂષણને અટકાવવા અને સ્વાસ્થ્યવર્ધક રોગપ્રતિકારક શકિત વધારવા પ્રારંભ કરેલા હરિયાળા ગુજરાતને સૌએ સાથે મળીને સાર્થક કરવાનું છે. ઉપસ્થિત સાંસદ વિનોદભાઇ ચાવડાએ રુદ્રાણી ડેમ ખાતે આવેલા રક્ષક વનની ભેટ બાદ હરિયાળા કચ્છના પ્રયાસમાં જન-જન જોડાશે તેવું જણાવી કુનરિયા અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના  વૃક્ષારોપણને યાદ કર્યા હતા. નાયબ વનસંરક્ષક એસ.એમ. મુજાવરે સ્વાગત પ્રવચન કરી જિલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન 61 રોપા ઉછેર કેન્દ્રમાં 31.35 લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા હોવાનું જણાવી જેમાં ખાતાકીય વન મહોત્સવ નર્સરી અને મનરેગા નર્સરીમાં 20.65 લાખ, ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ પ્રોજેક્ટ અને ખાસ અંગભૂત નર્સરીમાં 7 લાખ રોપાઓ, એસએચજી ગ્રુપના 4 લાખ રોપાઓ જન ઉપયોગ માટે ઉછેરાયા હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ કોરોના પ્રતિકારવર્ધક વૃક્ષરથનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ અગ્રણી કે. સી. પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., અબડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, મુખ્ય વન સંરક્ષક અનિતાબેન કર્ણ, મદદનીશ વનસંરક્ષક એ. એન. ધાસુરા, બી. એમ. પટેલ, તા.પં. પ્રમુખ અજબાઇ ગોરડિયા, હકૂમતસિંહ જાડેજા, મહેશોજી સોઢા, અનિરુદ્ધસિંહ જાડેજા, હાજી અલાના સુમરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer