જૈનાચાર્યના ગુણોના ખજાનાને વાગોળાયો

જૈનાચાર્યના ગુણોના ખજાનાને વાગોળાયો
કોડાય, (તા. માંડવી), તા. 9 : તાજેતરમાં કચ્છમાં 72 જિનાલય તીર્થે કાળધર્મ પામેલા અચલગચ્છાધિપતિ ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા.ની પાલિતાણા ખાતે ગુણોદયપૂરમના ઉપાશ્રયમાં અચલગચ્છના જૈનાચાર્ય કવીન્દ્રસાગરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલી ગુણાનુવાદ સભામાં નવ ગચ્છના જૈનાચાર્યો તેમજ સાધુ-સાધ્વીજી એ સદ્ગતના ગુણોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શંત્રુજય મહાતીર્થમાં તેમના દ્વારા નવનિર્મિત ગુણોદય તીર્થમાં ગુણાનુવાદ સભામાં વિમલગચ્છના ગચ્છાધિપતિ પ્રદ્યુમનવિમલસૂરિશ્વરજી મ.સા., રામચંદ્રસૂરિ સમુદાયના ગુણશીલસૂરિજી મ.સા. તથા જીતદર્શનસૂરિજી મ.સા. નેમિસૂરિજી સમુદાયના ધર્મધ્વજસૂરિજી મ.સા., સાગર સમુદાયના ચંદ્રકીર્તિસાગરસૂરિજી મ.સા. બુદ્ધિસાગરસૂરિ સમુદાયના શિવસાગરસૂરિજી મ.સા., નેમિસૂરિ સમુદાયના અભયસેનસૂરિજી મ.સા., વિશ્વરત્ન સાગરસૂરિજી મ.સા. ત્રિસ્તુતિક સમુદાયના નરેન્દ્રસૂરિજી મ.સા., પાશ્ચચંદ્ર ગચ્છના મુનિ ધર્મરત્નચંદ્રજી મ.સા., ખરતરગચ્છના મુનિ મનીષપ્રભસાગરજી મ.સા. સહિત સાધુ-સાધ્વીજીએ ગુણોના સાગર ગચ્છાધિપતિ ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા.ના ગુણોના અખૂટ ખજાનાને વાગોળ્યા હતા.પાલિતાણા ખાતે યોજાયેલી ગુણાનુવાદ સભા ઉપરાંત મુંબઈમાં મુલુંડ ખાતે ચાતુર્માસ ગાળતા ગચ્છનાયક કલાપ્રભુસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાઈ હતી. જેમાં પણ અનેક ભકતોએ ઓનલાઈન દર્શન વંદનનો લાભ લીધો હતો.  કચ્છના 72 જિનાલય ખાતે વીરભદ્રસાગર સૂરિજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલી ગુણાનુવાદ સભામાં  સાધુ-સાધ્વીજીઓ તથા ભકતો ઓનલાઈન જોડાયા હતા. ગુરુદેવ સાથે પડછાયાની  જેમ રહીને છેલ્લા ચાલીસ વર્ષથી સેવા કરતા મુનિ પ્રિયંકરસાગરજી મ.ના લઘુબંધુ બિપિનભાઈ હીરાચંદ ગાલાને જૈનાચાર્યોની ઉપસ્થિતમાં સેવા-રત્નનું બિરુધ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગઢશીશામાં વિશાલ કચ્છી  દ્વારા ગુરુદેવના અંતિમ દર્શન, પાલખી, ગુણાનુવાદ સભા વિગેરેનું યુ-ટયુબ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું. વિધિકાર ચંન્દ્રકાંત દેઢિયાએ સંચાલન કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer