પોઝિટિવ દર્દીઓએ હોસ્પિટલ ન જવાની જિદ્દ પકડતાં મામલો ગરમાયો

માંડવી, તા. 9 : અહીંના વાલ્મીકિ નગરમાં પાંચ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીઓએ જો તેમનું નામ સરકારી યાદીમાં આવે તો જ હોસ્પિટલ જશે તેવી જીદ પકડતાં મામલો ગરમાયો હતો. આશ્ચર્યજનક રીતે તંત્રના ચોપડે મોત કે આ કેસ કોઈની નોંધ ચડી નહોતી.મંજુલાબેન મોહનભાઈ મકવાણા, કોમલબેન અરવિંદ નારોલા, ભારતીબેન હિંમત નારોલા, ગીતાબેન બાબુલાલ નારોલા, સાક્ષીબેન અરવિંદ નારોલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મુંદરા આઈસોલેશન માટે મૂકવાની તમામ તૈયારીઓ આરોગ્ય ખાતાં દ્વારા કરવામાં આવેલી, પરંતુ ઉપરોક્ત પાંચેય બહેનોએ જવાની ના પાડતાં મામલો વધારે ડહોળાયો હતો. તેમના સમાજના પ્રમુખ વગેરે અગ્રણીઓએ સમજાવવાના પ્રયત્નો કર્યા તો પણ વિરોધ કરી પથ્થરો ફેંક્યાના સમાચાર મળ્યા હતા.ડો. પાસવાને આ બાબતે જણાવેલું કે, પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરવા પડશે.તેઓને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.પોઝિટિવ દર્દીઓએ પોતાના નામો દરરોજ સરકારી યાદી આવે છે તેમાં આવ્યા બાદ મુંદરા જવા તૈયાર થશે, પરંતુ માઈક્રોબાયોલોજીના રિપોર્ટમાં પોઝિટિવ આવેલા છે પણ તેઓ મુંદરા કે ભુજમાં ઈન્ડોર ન થવાથી તેના નામો સરકારી યાદીમાં આવશે નહીં. નગર સેવા સદન અને પોલીસે પણ પોતાથી બનતા અનેક પ્રયત્નો કરેલા પરંતુ તેમાં સફળતા મળી નહોતી.નોંધવું પડે કે, પોઝિટિવ કેસ એ `જીવતા બોમ્બ' સમાન હોઈ તેવું ઉપરોક્ત કેસ પરથી ફલિત થાય છે. કારણ કે મહિલા પોલીસને આ દર્દીઓને મુંદરા મૂકવા માટે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી પડે તો તેમને પીપીઈ કિટ પહેરીને તેઓને પકડવા પડે નહીં તો તે પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થઈ જવાનો ભય ઊભો થયો છે.નગર સેવા સદને વાલ્મીકિ નગર સિવાયના મજૂરો પાસેથી ડોર ટુ ડોર કલેક્શન, કચરા ઉપાડવાનું વિગેરે કામગીરી ચાલુ રાખી, સેનિટાઈઝેશન કામ ચાલુ રાખ્યાનું મનજીભાઈએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer