ગરીબ લોકોને ઘર બનાવવા જમીનનો ટુકડો મળે તેવી નીતિ બનાવવા કરાયો અનુરોધ

ભુજ, તા. 9 : જમીન અને આવાસ અધિકાર મંચ ભુજ શહેરની ગરીબ વસ્તીઓમાં રહેતા લોકો માટેનું એક સંગઠન છે, જે તેમના જમીન અને આવાસના અધિકારો માટે પ્રયાસ કરી રહ્યું છે. આ મંચ દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અને શહેરી આવાસ મંત્રીને આવેદનપત્ર પાઠવી ગરીબ પિરવારોને જમીન પટ્ટો મળે એ માટેની યોગ્ય પ્રક્રિયા કરવા અનુરોધ કરાયો હતો.એક આવેદનપત્રમાં હાલની પિરિસ્થિતિ દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે, પાછલા કેટલાક દશકાઓમાં ગ્રામીણ ક્ષેત્રોમાં આજીવિકાના સીમિત સંસાધનોનાં પરિણામે ગરીબ લોકોનું શહેરી વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સ્થળાંતર થયું છે. શહેરી વિસ્તારોમાં આ ગરીબોને રહેવા માટે આવાસની જોગવાઇ ન હોવાને કારણે એ લોકો પાસે આવી ગરીબ વસ્તીઓમાં રહેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આ વિસ્તારમાં રહેતા લોકો મજૂરી, શાકભાજી કે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુના વેચાણ તેમજ રિક્ષા ચલાવવા જેવા વ્યવસાયોમાં જોડાયેલા હોય છે, તેમજ મહિલાઓ આસપાસના ઘરોમાં કામ કરે છે. સાચા અર્થમાં આ લોકો શહેરને એવી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે જેના વગર શહેરનું સંચાલન અશક્ય છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતની 31.8 ટકા શહેરી વસ્તી - ગરીબ વસ્તીઓ જેને `સ્લમ વિસ્તાર'ના નામે ઓળખવામાં આવે છે તે પ્રાથમિક સુવિધાઓના અભાવમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં રહે છે. ગુજરાતમાં દેશના 3 ટકા (3.84 લાખ લોકો) આવા સ્લમ વિસ્તારોમાં રહે છે. રાષ્ટ્રીય શહેરી આવાસ નીતિ-2007 અનુસાર સ્લમ વિસ્તારોમાં ઘરોની સ્થિતિ અત્યંત દયનીય છે, જેનું મુખ્ય કારણ લેન્ડ ટેન્યોર (જે જમીન પર તેઓ રહે છે તેના પર તેમનો કોઇ પણ પ્રકારનો અધિકાર નથી)નો અભાવ છે.  પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત `હાઉસિંગ ફોર ઓલ પ્લાન ઓફ એક્શન' ભુજ શહેર માટે 2018માં બનાવવામાં આવ્યો. તે અનુસાર ભુજમાં 13978 પરિવારો 77 ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહે છે. જો પ્રત્યેક પરિવારને 65 વર્ગ મીટર જમીન આપવામાં આવે તો 60 હેક્ટર જમીન ખાલી થશે, જે વર્તમાન પ્લોટ્સને ફરી ગોઠવણ કરવાથી પ્રાપ્ત થશે, હાલના સમયમાં સ્લમ વિસ્તારમાં છે. તેથી જ ભુજના સ્લમ વિસ્તારો માટે `ઇન સીટુ' પુનર્વસનની તરફેણ કરે છે, પરંતુ લોકો પાસે જમીન પટ્ટો ન હોવાને કારણે ન તો એ ઘર બનાવી શકે છે કે ન કોઇ બેંક તેમને હાઉસિંગ લોન આપે છે અથવા તો એ સૌ માટે આવાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગત કેટલાક વર્ષોમાં અમુક રાજ્યો જેવા કે ઓરિસ્સા અને મહારાષ્ટ્રની સરકારોએ નાના અને મધ્યમ શહેરોમાં સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને જમીન પટ્ટો આપવા માટેની નીતિઓ અને કાયદો બનાવ્યો છે અને તેને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોથા વિકલ્પ - લાભાર્થી દ્વારા જાતે પોતાના ઘરનું નિર્માણ - અંતર્ગત ઘર બનાવવા માટે ગ્રાન્ટ ઉપલબ્ધ  કરાવી રહી છે. ભવિષ્યમાં ગરીબોને તેમની જગ્યા પરથી ખસેડવાની સ્થિતિમાંથી  ગરીબ વિસ્તારોને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ તેમને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી એ લોકોના સામાજિક અને આર્થિક જીવનનાં સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીની દરેક લોકો માટે આવાસની સંકલ્પનાને ગુજરાતમાં સાકાર કરી શકાય એવો અનુરોધ મંચના સભ્યો એડવોકેટ અમિત ગોર તેમજ ફાતમાબેન જત દ્વારા કરવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer