બેન્કોમાં સામાજિક અંતરનો સરેઆમ ઊડતો છેદ ચિંતાજનક

ભુજ, તા. 9 : શહેર સહિત જિલ્લાની મોટાભાગની બેન્કોમાં ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઊડતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇને સામે આવતું દેખાઇ?રહ્યું છે. કોરોનાકાળના શરૂઆતના દિવસોમાં મોટા ઉપાડે તકેદારી રખાયા બાદ હવે ગણીગાંઠી બેન્કોમાં નિયમ પાલન થતું હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે, આ બાબતમાં થોડી ઘણી બેદરકારી તો બંને પક્ષે દાખવાતી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને  બેન્ક ખુલ્યાના પ્રથમ બેથી ત્રણ કલાક ખાસ કરીને સપ્તાહનો આરંભ કે પછી રજા પછી બેન્ક ખૂલે ત્યારે જામતી મોટી ભીડ ક્યાંક ને ક્યાંક મહામારીને નોતરું આપી રહી છે. આ બાબતે કેટલાક જાગૃત ખાતેદારોએ  પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, કોરોનાના પગલે લોકડાઉન અમલી હતો ત્યારે  અને તે પછી પણ બેન્કોમાં થર્મલગનથી ચેકિંગ કરી ખાતેદારોને  પ્રવેશ આપવા હાથને સેનિટાઇઝ કર્યા બાદ માસ્ક પહેરીને જ ખાતેદાર આવે તેની તકેદારી રાખવામાં આવતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી મોટાભાગની બેન્કોમાં આ તમામ બાબતોને દરકિનાર કરાઇ?રહી છે. પૈસા ઉપાડવા, જમા કરવા કે અન્ય કામ માટે આવતા લોકો અમુક અંતર છોડી ઊભા રહેવાના બદલે એમને એમ ઊભા રહી જતા હોવાના કારણે સામાજિક અંતરનું તો જાણે કે પાલન થતું જ ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આમ કહેવું અતિશયોક્તિભર્યું પણ નથી. વળી માસ્ક પહેર્યા વગર કે ફેસ કવર કર્યા વગર ખાતેદારો બિન્ધાસ્ત રીતે આમથી તેમ ફરતા હોવાના કારણે સંક્રમણ ફેલાવવાનો સતતને સતત ભય મંડરાતો રહે છે.એટીએમની વાત કરીએ તો તમામ એટીએમને દિવસમાં બે વાર સેનિટાઈઝ્ડ કરાતા હોવાના દાવા વચ્ચે અગાઉ એટીએમમાં હેન્ડ સેનિટાઇઝરની બોટલ રાખવામાં આવતી તે પણ હવે મોટાભાગના એટીએમમાં જોવા મળતી નથી. બેન્કના જવાબદારોએ નિયમ પાલન કરાવવા માટે તો ખાતેદારોએ પણ નિયમનું પાલન કરવા માટેની જાગૃતતા દેખાડવી જ પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer