તહેવારનો માહોલ સંક્રમણ ન ફેલાવે તે માટે વિશેષ ચેકિંગ ઝુંબેશ છેડાશે

ભુજ, તા. 9 : કોરોનાના જારી રહેલા સંક્રમણ વચ્ચે તહેવારોની મોસમ ખીલી ઊઠી છે. આ વખતે કોરોનાના કારણે તમામ પ્રકારના મેળા-મલાખડા, ઉત્સવો યોજવા પર પાબંદી ફરમાવી દેવાઈ છે. ત્યારે જે રીતે રક્ષાબંધનના પર્વે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે તેને ધ્યાને લઈ જિલ્લા પ્રશાસને જન્માષ્ટમીના તહેવાર ટાંકણે સામાજિક અંતર જાળવવા સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા સઘન ચેકિંગ ઝુંબેશ છેડી રાબેતા મુજબનું થતું હોય તેના કરતાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાણીએ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યના ગૃહ વિભાગમાંથી જે માર્ગદર્શિકા આપી છે તેનું ચુસ્તપણે પાલન કરાવવા હેતુ કાલે સોમવારે પોલીસ અને તંત્રની એક બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં નાયબ મામલતદારો, ડીવાયએસપી ઉપરાંત તમામ પોલીસ મથકના પ્રભારી હાજર રહેવાના છે એ તમામને સૂચના પણ આપવામાં આવશે. શ્રી ગુરવાણીએ એમ પણ કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન થાય, માસ્ક પહેરવા સહિતના નિયમોની અમલવારી થાય તે માટે નાયબ મામલતદાર અને પોલીસ પ્રશાસનની ગઠિત ટીમ દ્વારા જ્યાં વધુ ભીડભાડ રહેતી હોય તેવા સ્થળો, હરવા-ફરવાના સ્થળોમાં સામાન્ય દિવસોની તુલનાએ પેટ્રોલિંગ વધારી ચેકિંગ ઝુંબેશ પણ છેડવામાં આવશે. મેળાઓ પર તો પ્રતિબંધ પહેલેથી ફરમાવી દેવાયો છે. આમ છતાં ક્યાંક તહેવારની ઉજવણીના માહોલમાં સામાજિક અંતરનો છેદ ન ઊડે તે માટેની આ વખતે ખાસ તકેદારી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન પછીના છ દિવસના સમયગાળામાં કોરોનાના 140 જેટલા પોઝિટિવ કેસ સાથે છ લોકોના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે તહેવારનો માહોલ સંક્રમણ વધારે નહીં તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer