ભુજના નરનારાયણનગરમાં વધુ ત્રણ પરિવારજન પણ પોઝિટિવ : તંત્રએ દાદ ન દીધી

ભુજ, તા. 9 : કલેકટર કચેરી પાછળના નરનારાયણનગરમાં સ્ટેશનરીના ધંધાર્થી મનસુખભાઈ શેઠ કોરોના પોઝિટિવ આવ્યા અને એમના ઘરવાળી શેરી માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરી, પણ છતાં આ પરિવાર બેરોકટોક હરતો ફરતો હતો અને એમની બે દુકાનો પણ ચાલુ જ હતી. આજે એ જ ફરફર કરનારા ત્રણ જણ પોઝિટિવ આવતાં એક ગંભીર બેદરકારી જાહેર થઈ છે. માઈક્રો કન્ટઈનમેન્ટ ઝોન હોવાથી નરનારાયણનગરના અન્ય રહેવાસીઓ પોતપોતાના ઘરોમાં કેદ હતા અને મુશ્કેલીમાં હતા, પણ જેમના થકી આ શેરી બંધ થઈ એ પરિવાર તદ્દન બેરોકટોક હતો. દુકાનો વાણિયાવાડમાં ચાલુ હતી અને હરફર થતી હતી, તેથી ચિંતિત રહેવાસીઓએ જિલ્લા વિકાસ અધિકારી સુધી આ ફરિયાદ પહોંચાડી છતાં કોઈ જ પગલાં લેવાયાં નહીં અને વોટસએપ જોઈ-વાંચીને ડી.ડી.ઓ. પણ જાણે મૌન થઈ ગયા. હવે એ જ પરિવારમાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર પોઝિટિવ આવ્યા છે, તો દુકાનોએ આવેલા ગ્રાહકો તથા આસપાસની દુકાનોનું શું થશે ?  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer