કોવિડ હોસ્પિટલમાં ખાનગી ફિઝિશિયનોને માનદ વેતનથી સેવા આપવા તંત્રનું ઈજન

ભુજ, તા. 9 : કોરોના રોગને અટકાવવા રાજ્યમાં ફિઝિશિયન ડોકટરોની વધુ જરૂરિયાત ધ્યાને લેતાં ખાનગી ફિઝિશિયન કોવિડ હોસ્પિટલમાં માનદ સેવા આપે તેમને માનદ વેતન ચૂકવવા તાજેતરમાં ઠરાવાયું છે, તેના અનુસંધાને કચ્છમાં પણ જિલ્લા કલેકટર દ્વારા  ખાનગી ફિઝિશિયનોની સાથે બેઠક યોજી હતી. સોમવારે ખાનગી ફિઝિશિયનો દ્વારા સેવા માટે તૈયારી અંગે તંત્રને અવગત કરશે તેવું મનાય છે. બે દિવસ પહેલાં જિલ્લા કલેકટર દ્વારા યોજાયેલી બેઠકમાં કેટલાક ફિઝિશિયન હાજર રહ્યા હતા. તેમની સાથે ચર્ચા બાદ સોમવારની મુદત અપાઈ હોવાનું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. કશ્યપ બૂચને પુછાતાં તેમણે જણાવ્યું હતું. કોરોનાના પ્રવકતા ડીડીઓ પ્રભવ જોશીને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે અત્યારે માત્ર નોન કોવિડ માટે તૈયારથયા છે.રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત બીજી જૂનના રાજ્યકક્ષાની ટાસ્કફોર્સ કમિટીની રચના કરાઈ છે.  આ સમિતિ દ્વારા કોરોના રોગને આગળ વધતો અટકાવવા અને પ્રસરેલ રોગને નિયંત્રણમાં લેવા અનેકવિધ પગલાં લેવાયાં છે. આ સમિતિના સભ્યો હાલ પોતાના વ્યસ્ત સમયમાં સરકારને વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. તેમના જ્ઞાનનો લાભ સમગ્ર રાજ્યના ડોકટરોને ટેલિમેડિસીન તથા અન્ય સ્વરૂપે માર્ગદર્શન આપી દર્દીઓની સારવારમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે, જેથી અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં આ રોગને અટકાવવાની બાબતે રિકવરી રેટમાં આગળ છે, જ્યારે મૃત્યુદર નિયંત્રણમાં છે. રાજ્યમાં ફિઝિશિયન ડોકટરોની વધુ જરૂરિયાત ધ્યાને લેતાં તજજ્ઞ સમિતિના બિનસરકારી તજજ્ઞો ઉપરાંત જે ખાનગી ફિઝિશિયન કોવિડ હોસ્પિટલમાં સતત સાત દિવસ માનદ સેવા આપે તેમને પ્રતિદિનનું રૂા. 5000 માનદ વેતન તથા રહેવા - જમવાની સારી વ્યવસ્થા આપવાનું તથા સાત દિવસની સેવા પૂર્ણ થયે તેઓને ક્વોરેન્ટાઈન થવા માટે જરૂરી દિવસ માટેનું ઉચ્ચક રૂા.15000 માનદ વેતન  આપવાનું ઠરાવાયું છે. ઉપરાંત જો તેઓ આ રોગથી સંક્રમિત થાય તો રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની દવાઓ/સારવાર નિ:શુલ્ક પણે પૂરી પાડવાની ઉપરાંત રેમડેસીવર તથા ટોસીલીસુબેમ જેવા ઈન્જેકશનની જરૂર પડે તો તે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું પણ તા. 31 જુલાઈના પરિપત્રમાં ઠરાવાયું હોવાનું જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer